(એજન્સી) નવી દિલ્હી, તા.૪
ફિલ્મ જગતને કોરોના વાયરસના લોકડાઉનમાં ફરી એકવાર મોટો આંચકો લાગ્યો છે. સુપ્રસિદ્ધ નિદેશક બાસુ ચેટર્જીનું ગુરૂવારે ૯૩ વર્ષની વયે તેમના નિવાસ સ્થાને નિધન થયું છે. ફિલ્મકાર અને ભારતીય ફિલ્મ તેમજ ટીવી નિર્દેશક સંઘના અધ્યક્ષ અશોક પંડિતે પિયા કા ઘર (૧૯૭૨), રજનીગંધા (૧૯૭૪), ચિતચોર (૧૯૭૬), છોટી સી બાત (૧૯૭૬), સ્વામી (૧૯૭૭), ખટ્ટામીઠા (૧૯૭૭), તુમ્હારે લિયે (૧૯૭૮), દિલ્લગી (૧૯૭૮), બાતો બાતો મે (૧૯૭૯), શૌકીન (૧૯૮૨), અપને પરાયે (૧૯૮૨), એક રૂકા હુઆ ફેંસલા (૧૯૮૬) જેવી ૧૨ જેટલી યાદગાર ફિલ્મો બનાવનાર બાસુ દાના નિધનની પુષ્ટિ કરી હતી. બાસુ ચેટર્જીના અંતિમ સંસ્કાર સાંતાક્રૂઝ સ્મશાનમાં ગઈકાલે કરવામાં આવ્યાં.
ફિલ્મ જગતમાં બાસુ ચેટર્જીને લોકો પ્રેમથી બાસુ દા કહીને બોલાવતા હતાં. બાસુ દાએ ફિલ્મોમાં જીવનની પળોને પ્રેમ અને રમૂજ સાથે દર્શાવીને ૧૯૭૦ની હિંસક હિન્દી ફિલ્મોના શ્રેષ્ઠ વિકલ્પની રચના કરી. બાસુ ચેટર્જીના નિધનની જાણકારી ફિલ્મ પ્રોડ્યુસર અશોક પંડિતે ટ્‌વીટ કરીને આપી. તેમના નિધનથી સમગ્ર બોલીવુડમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મિડલ ક્લાસ ફેમિલીની ખૂબ જ સુંદર ચિત્રણ કરતી અને હૃદયને હળવેથી સ્પર્શી જતી રોમેન્ટિક ફિલ્મોએ બાસુ ચેટર્જીને ફિલ્મ જગતમાં એક આગવી ઓળખ અપાવી હતી.
બાસુ ચેટર્જીનો જન્મ અજમેરમાં થયો હતો. ફિલ્મોમાં બાસુ ચેટર્જીના યોગદાન માટે તેમને ૭ વખત ફિલ્મ ફેર અવોર્ડથી અને દુર્ગા માટે ૧૯૯૨માં નેશનલ ફિલ્મ અવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતાં. ૨૦૦૭માં તેમને આઈફાએ લાઈફ ટાઈમ અચિવમેન્ટ અવોર્ડથી સન્માનિત કર્યા હતાં. ૧૯૬૯થી લઈને ૨૦૧૧ સુધી બાસુ દા ફિલ્મોના નિર્દેશનમાં સક્રિય રહ્યાં.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દિગ્ગજ ફિલ્મ નિર્માતાના નિધન બાદ, ટ્‌વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો કે, “દિગ્ગજ ફિલ્મ દિગ્દર્શક અને પટકથા લેખક બાસુ ચેટરજીના નિધન પર દુઃખની લાગણી અનુભવું છું.” આ સિવાય બોલીવુડના અભિનેતા અમિતાભ બચ્ચન, અમોલ પાલેકર, વરિષ્ઠ ફિલ્મ અભિનેત્રી શબાના આઝમી, શૂજિત સિરકાર સહિત બોલીવુડની ઘણી હસ્તીઓએ પણ બાસુ દાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.