(એજન્સી) નવી દિલ્હી,તા.રર
દેશના તમામ બાળગૃહો અને અનાથાશ્રમોને બાળઅધિકાર કાયદા હેઠળ નોંધવાના સુપ્રીમકોર્ટના આદેશના વિરોધમાં કેરળના ર૦૦ મુસ્લિમ યતીમખાનાઓએ સંસ્થા બંધ કરવાની ધમકી આપી છે.
કેરળના યતીમખાના એસોસિએશન જેનું પ્રતીનિધિત્વ કપીલ સિબ્બલ કરી રહ્યા છે એ જાહેરાત કરી છે કે યતીમખાનાઓ વકફની મિલકતનો ભાગ છે અને તેનું સંચાલન વકફ દ્વારા કરવામાં આવશે જો યતીમખાનાઓને બાળસુરક્ષા હેઠળ લાવવામાં આવે તો મુસ્લિમ પર્સનલ લોનું ઉલ્લંઘન થશે કારણે કે બાળસુરક્ષા કાયદો બાળઘર કે અનાથાશ્રમમાં રહેતા બાળકોને દત્તક લેવાની મંજૂરી આપે છે જે પર્સનલ લો વિરૂદ્ધ છે.
સરકાર દ્વારા સંચાલિત બાળગૃહો તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચાલતા આવા બાળઆશ્રય ગૃહોમાં જાતીય શોષણ અને બળાત્કારી ઘટનાઓ સામે આવ્યા બાદ જસ્ટિસ મદન લોકુર અને દિપક ગુપ્તાની બેન્ચએ આ નિર્ણય લીધો હતો. કોર્ટમાં રજુ કરવામાં આવેલી માહિતી મુજબ મોટા ભાગના બાળસંભાળ ગૃહોની નોંધણી કરવામાં આવી હતી.
યતીમખાના એસોસિએશને એફિડેવિટ દાખલ કરી કે જો બાળસુરક્ષા કાયદો લાદવામાં આવશે તો તે યતીમખાના બંધ કરી દેશે અને તમામ બાળકોની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. આ એફિડેવિટના પ્રત્યુત્તરમાં કોર્ટએ એસોસિએશન પાસે બાળકોને અપાતી સુવિધા અને કુલ બાળકો અંગેની માહિતી ચાર સપ્તાહમાં રજૂ કરવાની માગ કરી છે.