(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૩
બંધારણીય કન્ડક્ટ જૂથ હેઠળ રવિવારે ૯૫ નિવૃત્ત અમલદારોએ સામાજિક કાર્યકર હર્ષ મંદરના સમર્થનમાં ખુલ્લો પત્ર લખ્યો હતો. સોલિસિટર જનરલ અને દિલ્હી પોલીસે તેમની સામે સુપ્રીમ કોર્ટમાં અપમાનજનક ટિપ્પણી કરવાનો કેસ દાખલ કર્યો હતો.
મન્દરે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં ભાજપના નેતા કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર, પરવેશ સાહિબ સિંહ અને અભય વર્મા સામે એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી હતી મંદરે આરોપ લગાવ્યો હતો કે, આ નેતાઓએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી સમયે ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હતી. દિલ્હી પોલીસે આ અરજી સામે એફિડેવિટ દાખલ કરી દાવો કર્યો હતો કે, જામા મસ્જિદ ખાતેના ભાષણની ક્લિપમાં તેમણે સુપ્રીમ કોર્ટ સામે અપમાનજનક ટિપ્પણી કરી હતી જેના પગલે ચાર માર્ચના રોજ કોર્ટે જણાવ્યું હતું કે, જ્યાં સુધી મંદર આ મામલે ખુલાસો નહીં કરે ત્યાં સુધી તેમની અરજી અંગે સુનાવણી હાથ નહીં ધરાય.
ખુલ્લો પત્ર લખનારા જૂથમાં દિલ્હીના પૂર્વ રાજ્યપાલ નજીબ જંગ અને પૂર્વ માહિતી કમિશનર વજાહત હબિબુલ્લાનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસે એફિડેવિટમાં પુરાવા રૂપે જે વીડિયો રજૂ કર્યો છે તે પૂરો નથી પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, આ વીડિયો કાપ-કૂપ કરી રજૂ કરવામાં આવ્યો છે. પસંદગી પ્રમાણે વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે. અમને એવું લાગે છે કે, આ વીડિયોનો સંપૂર્ણ પણે અભ્યાસ કરવામાં આવ્યો નથી.
સોલિસિટર જનરલ અને દિલ્હી પોલીસ પર તથ્યો સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવી પૂર્વ લોક સેવકોએ જણાવ્યું હતું કે શું ભારતના સોલિસિટર જનરલ અને દિલ્હીના નાયબ પોલીસ કમિશનર સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરવા માંગે છે ?