(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
સુપ્રીમકોર્ટે રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરપ્રદેશને કોર્ટની અવમાનના બદલ નોટિસો ફટકારી છે. કોર્ટે જણાવ્યું છે કે, ત્રણેય રાજ્યોમાં ગૌરક્ષકો ઉપર નિયંત્રણ રાખવામાં નિષ્ફળ રહ્યા છે. ગયા વર્ષે સુપ્રીમકોર્ટે આદેશ આપ્યો હતો કે ગૌરક્ષકોના ત્રાસથી નિર્દોષ લોકોને બચાવવામાં આવે પણ રાજ્યો આદેશનો અમલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. રાજ્યોને ૩જી સપ્ટેમ્બર સુધી જવાબ આપવા જણાવ્યું છે. તુષાર ગાંધી દ્વારા દાખલ કરાયેલ અરજીના અનુસંધાને સુપ્રીમકોર્ટે નોટિસો મોકલાવી છે. અરજદાર ગયા વર્ષથી આ મામલે પગલાં લેવા કહી રહ્યા છે. એમની અરજીના અનુસંધાને સુપ્રીમકોર્ટે ૬ઠ્ઠી સપ્ટેમ્બરે ર૬ રાજ્યોને આદેશ આપ્યો હતો કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને જાળવવામાં આવે. કહેવાતા ગૌરક્ષકો દ્વારા થતી હિંસા રોકવામાં આવે. રાજ્યોને જણાવાયું હતું કે એ નોડલ અધિકારીઓની નિમણૂકો કરે અને હાઈવે ઉપર સઘન પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવે અને લીધેલ પગલાંના રિપોર્ટ સુપ્રીમકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. એ સાથે કોર્ટે કેન્દ્ર સરકારને પણ સૂચનાઓ આપી હતી. જેના અનુસંધાને કેન્દ્ર સરકારે રજૂઆતો કરી હતી કે કાયદો વ્યવસ્થાનો વિષય રાજ્ય સરકારની જવાબદારીનો છે. કોર્ટે કહ્યું ભલે બંધારણ મુજબ રાજ્યોની જવાબદારી છે પણ કેન્દ્ર સરકારે પણ રાજ્યો પાસેથી અહેવાલ મેળવી યોગ્ય પગલાં લેવા સૂચનો આપવા જોઈએ. છેલ્લે ર૬મી સપ્ટેમ્બરે ગંભીર નોંધ લઈ બધી રાજ્ય સરકારોને આદેશો આપ્યા હતા કે એ કહેવાતા ગૌરક્ષકો ઉપર નિયંત્રણ રાખવા પૂરતા પગલાં લે.