(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
ભારતમાં વિદેશી કંપનીઓની પ્રેક્ટિસના મુદ્દે સુપ્રીમકોર્ટે મદ્રાસ હાઈકોર્ટ અને બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે. સુપ્રીમના ચુકાદા મુજબ હવેથી વિદેશી વકીલો અથવા કાયદાકીય કંપનીઓ ભારતમાં પ્રેક્ટિસ કરી શકશે નહીં. જો કે, મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખતા જણાવ્યું કે, વિદેશી વકીલો ફકત ભારત આવીને હંગામી ધોરણે હાજર રહી વિદેશી કાયદાઓ બાબત સલાહ આપી શકશે. કોર્ટે વિદેશી વકીલોને આંતરરાષ્ટ્રીય કોર્મશિયલ આર્બિટ્રેશન સમક્ષ હાજર રહેવા પરવાનગી આપી છે. આંતરરાષ્ટ્રીય વહેવારોના મુદ્દે ઊભા થતાં વિવાદોનું નિરાકરણ જો લવાદ દ્વારા કરાતું હોય તો એમાં તેઓ હાજર રહી શકશે. કોર્ટે આ બાબતે નિયમો ઘડવા ભારત સરકારને કાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને સૂચનાઓ આપી છે.
૧. કેસ શું છે ?
જુલાઈ ર૦૧રના વર્ષમાં વિદેશી કાયદાકીય કંપનીઓનો કેસ સુપ્રીમકોર્ટમાં દાખલ થયું હતું જ્યારે બીસીઆઈએ મદ્રાસ હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે વિદેશી વકીલોની પ્રેક્ટિસ ઉપર પ્રતિબંધ મૂકયો હતો.
ર. શું વાંધો હતો ?
સુપ્રીમકોર્ટે અવલોકન કર્યું કે વિદેશી વકીલો અને કંપનીઓ ભારતની કોર્ટોમાં પ્રેક્ટિસ નહીં કરી શકે જ્યાં સુધી એ એડવોકેટ્‌સ એકટ ૧૯૬૧ની જરૂરિયાતોને પૂર્ણ કરે. આ પહેલાં બીસીઆઈએ કહ્યું હતું કે, ભારતના કાયદાએ વિશિષ્ટ પ્રકારના છે જ્યાં સુધી એની સંપૂર્ણ સમજ નહીં હોય ત્યાં સુધી વિદેશી વકીલોને પરવાનગી આપી નહીં શકાય.
૩. એની સામે કયો મુદ્દો રજૂ કરાયો ?
આની સામે એડવોકેટ એકટની કલમ ૪૭ હેઠળનો મુદ્દો આગળ ઘરાયો હતો જે મુજબ જો કોઈ વ્યક્તિએ વિદેશમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હોય એમના માટે બીસીઆઈ શરતો મૂકી શકે છે. જે રીતે ભારતના વકીલોએ અન્ય દેશોમાં પ્રેક્ટિસ કરવા માટે ત્યાંની બારકાઉન્સિલની પરીક્ષા પાસ કરવી પડે છે એ જ રીતે વિદેશીઓને પણ ભારતની પરીક્ષા પાસ કરવી જોઈએ તો જ એ પ્રેક્ટિસ કરી શકે.
૪. વૈશ્વિક પ્રેક્ટિસ શું છે ?
ઘણા બધા દેશો અન્ય દેશોના વકીલોને પ્રેક્ટિસ કરવા પરવાનગી આપે છે પણ એના માટે શરતો મુકે છે. જેમાં સ્થાનિય કાયદાઓનો અભ્યાસ અને સરકાર સમક્ષ નોંધણી અને એ પછી સંદર્ભિત બારકાઉન્સિલની પરીક્ષા પાસ કરવી.
પ. શું એની અસર ભારતના વકીલો ઉપર થશે ?
સુપ્રીમકોર્ટે ગઈ સુનાવણીમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે જો અમે પ્રતિબંધ મૂકીશું તો અન્ય દેશો પણ ભારતના વકીલો ઉપર પ્રતિબંધ મૂકશે ? અમુક નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે ઘણા બધા વકીલો એમના વિદેશી વકીલો સાથેનો સંપર્ક ગુમાવશે. કદાચ આ જ કારણના લીધે સુપ્રીમકોર્ટે વિદેશી વકીલોને હંગામી ધોરણે હાજર રહી વિદેશી કાયદાઓ ઉપર સલાહો આપવાની પરવાનગી આપી છે.