(એજન્સી) તા.૧૩
સુપ્રીમકોર્ટના ચાર જજોએ સીજેઆઈ દીપક મિશ્રા વિરૂદ્ધ પોતાનો રોષ પ્રક્ટ કરતાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. એમણે સીજેઆઈને જે પત્ર લખ્યો હતો એમાં આર.પી.લુથરા વિરૂદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયાના કેસનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ કેસ હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટના જજોની નિમણૂક બાબત અને એને લગતા એમઓપી બાબતે હતો. પત્રકાર પરિષદમાં આ પત્ર જજોએ બહાર પાડ્યો હતો. આ નારાજગીના મુદ્દાઓ એકાએક નથી ઊભા થયા પણ લાંબા ગાળેથી ચાલતા આવ્યા છે.
ર૦૧પના વર્ષમાં સુપ્રીમકોર્ટને જજોની નિમણૂકો માટે ઘડાયેલ એનજેએસી કાયદો રદ કર્યો હતો અને કોલેજિયમ સિસ્ટમનો જ અમલ ચાલુ રાખવા આદેશ આપ્યો હતો. એ સાથે જજોની નિમણૂકોમાં પારદર્શિતા લાવવા માટે એમઓપી ઘડવાનો અને એનો અમલ કરવા આદેશ અપાયો હતો.
એનજેએસીના કેસના ચુકાદા પછી સુપ્રીમકોર્ટના કોલેજિયમ અને સરકાર વચ્ચે એમઓપીને અંતિમ રૂપ આપવા માટે ઘણા લાંબા સમય સુધી વિવાદો અને સંઘર્ષ ચાલુ રહ્યા હતા. પૂર્વ ન્યાયાધીશ ટી.એસ.ઠાકુરને એમઓપીમાં વિલંબ કરવા બદલ આલોચનાઓ પણ સહન કરવી પડી હતી. એ પછી જજ ખેહરે માર્ચ ર૦૧૩માં એમઓપીને અંતિમરૂપ આપી સરકાર સમક્ષ મોકલ્યું હતું.
આ દરમિયાન બીજી એક મહત્ત્વપૂર્ણ ઘટના ભારતના ન્યાયાતંત્રના ઈતિહાસમાં બની જેમાં કલકત્તા હાઈકોર્ટના કાર્યરત જજ સી.એસ.કર્ણનને કોર્ટની અવમાનના બદલ ૬ મહિનાની સજા ફટકારવામાં આવી હતી. એમને ફટકારાયેલ સજા વખતે જજ ચેલામેશ્વરે બે મુદ્દાઓ ખાસ નોંધ્યા હતા. એમણે જણાવ્યું કે જજોની નિમણૂકોની પ્રક્રિયાને ફરીથી નિર્ધારિત કરવામાં આવે અને આ પ્રકારની ગેરવર્તણૂક કરતા જજો સામે મહાઅભિયોગ ચલાવવા કરતા અન્ય પગલાંઓ વિષે વિચારવામાં આવે.
આ ચુકાદા પછી ર૭મી ઓક્ટોબર ર૦૧૭ના રોજ આર.પી.લુથરાના કેસનો ચુકાદો સામે આવ્યો. આ કેસમાં અરજદારે વિનંતી કરી હતી કે એમઓપીને જલ્દીથી સ્વીકારી અંતિમરૂપ આપવામાં આવે જેથી હાઈકોર્ટમાં અને સુપ્રીમકોર્ટમાં જજોની નિવૃત્તિ થતાં પહેલાં જ નિમણૂક કરવામાં આવે જેથી નિમણૂકોમાં થતું વિલંબ ટાળી શકાય. આના લીધે એક ખૂબ જ મહત્ત્વનો મુદ્દો ધ્યાનમાં આવ્યો. જો એમઓપી બાબતે અંતિમ નિર્ણય માર્ચ ર૦૧૭માં લઈ લેવામાં આવ્યો હતો તો પછી એ હજુ સુધી અનિર્ણિત કઈ રીતે હોઈ શકે ? આ કેસની સુનાવણી બે જજોની બેંચ દ્વારા કરવામાં આવી હતી અને એમઓપી બાબત ત્વરિત નિર્ણય લેવા જણાવાયું હતું. ચુકાદો દીપક મિશ્રાના કાર્યકાળમાં અપાયો હતો.
સુપ્રીમકોર્ટની જ્યારે સ્થાપના થઈ હતી તે વખતે સુપ્રીમકોર્ટમાં ફકત ૭ જજો હતા અને એ બધા ભેગા મળી બધા જ કેસોની સુનાવણી કરતા. અર્થાત બધા કેસો બધા જજો પાસે આવતા હતા. પણ કેસો વધતા સુપ્રીમકોર્ટમાં જજોની સંખ્યામાં ક્રમશઃ વધારો કરવામાં આવ્યો અને હાલમાં ૩૧ જજો છે અને સુપ્રીમકોર્ટમાં એક, બે, ત્રણ, પાંચ, સાત અને વધુ જજોની બેંચો કેસને ધ્યાનમાં રાખી રચવામાં આવી છે. બેંચોને જે કેસો સુનાવણી માટે અપાય છે. એને રોસ્ટર પ્રથા કહેવામાં આવે છે. સુપ્રીમકોર્ટના સીજેઆઈ બધા જજોની સમકક્ષના જ પ્રથમ જજ છે. એમણે આપેલ ચુકાદાઓ પણ એ જ મહત્ત્વ ધરાવે છે. પણ સીજેઆઈને વહીવટી સત્તાઓ વધુ પ્રમાણમાં છે. આ સત્તાઓમાં રોસ્ટર ઉપર પણ નિયંત્રણ રાખે છે. સીજેઆઈ નિર્ણય કરે છે કે, ક્યાં કેસ કઈ બેંચના જજો સમક્ષ મોકલવો. જો કે, સીજેઆઈએ આ સત્તા પોતાની વિવેક બુદ્ધિના આધારે વાપરવાની હોય છે. સીજેઆઈ જજોની કાબેલિયતના આધારે કેસો સોંપે છે.
પણ આજે બપોરે અણધારી ઘટના બની અને ચાર જજોએ સીજેઆઈ વિરૂદ્ધ બળવો પોકારી પોતાનો રોષ પત્રકાર પરિષદ યોજીને ઠાલવ્યો. એમણે કોર્ટની વર્તમાન વહીવટી પ્રક્રિયા સામે પ્રશ્નો કરી સીજેઆઈ ઉપર કેસોની ફાળવણીમાં વ્હાલા દવાલાની નીતિ અપનાવવાના આક્ષેપો મૂક્યા. એ સાથે એમણે બે મહિના પહેલાં સીજેઆઈને લખેલ પત્રનો ઉલ્લેખ પણ કર્યો જેમાં આર.પી.લુથરાના કેસનો ખાસ ઉલ્લેખ કરાયો હતો. આ કેસમાં અરજદારે પ્રશ્ન કર્યો હતો કે જે મામલો બંધારણીય બેંચને નિર્ણય કરવાનો હતો એ મામલો બે જજોને કેમ સોંપાયો ?
પત્રકાર પરિષદમાં ચાર જજોએ જણાવ્યું કે, લોકશાહી ખતરામાં છે. એમણે કહ્યું સંવેદનશીલ કેસો જૂનિયર જજોને આપવામાં આવે છે. એમણે જજ લોયાના મૃત્યુના તપાસના કેસનો પણ ઉલ્લેખ કર્યો. પત્રમાં એમણે જણાવ્યું કે, સુુપ્રીમકોર્ટના બધા જો સરખા જ છે કોઈનું મહત્ત્વ વધુ અથવા ઓછું નથી.
ભારતના ન્યાયતંત્રના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે કે, ન્યાયતંત્રમાં ચાલી રહેલ વિખવાદ જાહેર થયો છે. જેનાથી બધા આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. બધાને ખબર પડી ગઈ કે સુપ્રીમકોર્ટ જેવી સુપ્રીમકોર્ટમાં પણ એકતા, સંગઠન નથી અને અન્ય સંસ્થાઓની જેમ વિખવાદો વિવાદો છે.
આ બધી ઘટનાઓમાં ઓક્ટોબર ર૦૧૭નો ચુકાદો મહત્ત્વપૂર્ણ છે જેના દ્વારા એમઓપીને ફરીથી ઉખેડવામાં આવ્યો હતો. સુપ્રીમકોર્ટે માર્ચ ર૦૧૭માં મોકલાવેલ એમઓપીનો સરકારે કોઈ જવાબ નહીં અપાતા એવું માની લેવાયું કે સરકારે એને મંજૂર કર્યું છે. પણ આ ચુકાદાએ બધી વાતો જાહેર કરી દીધી જેની ખબર આ જ સુધી કોઈને ન હતી જે એમઓપીને મંજૂર થયેલ ગણાવી હતી એ હજુ સુધી અનિર્ણિત કઈ રીતે હોઈ શકે જે કેસ પાંચ જજોની બેંચને સાંભળવો હતો એ કેસ બે જજોની બેંચે કઈ રીતે ખુલ્લો પાડ્યો. એનાથી એ પ્રકારની શંકાઓ ઊભી થાય છે કે જે કેસોમાં સરકાર પક્ષકાર હોય છે એ કેસો ખાસ પસંદગીની બેંચને અપાય છે.
આ જ સુધી અમે બધા એવું જ સમજતા આવીએ છીએ કે સુપ્રીમકોર્ટનું કામકાજ વધુ નિયમો મુજબ ચાલતું હશે અને કેસોની ફાળવણી અથવા અન્ય બાબતોએ કોઈ મતભેદો હોઈ જ ના શકે. પણ જે રીતે ચાર જજોએ બધી વાતો જાહેર કરી છે જેના લીધે સુપ્રીમકોર્ટની વિશ્વસનીયતા સામે જ લોકોને પ્રશ્નો થઈ રહ્યા છે. આજની ઘટના પછી સુપ્રીમકોર્ટ જેવી સંસ્થાને આંતરિક આત્મમંથન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. ન્યાયતંત્રની ગરિમા જાળવવા માટે એમણે પોતે એમાં સુધારાઓ કરવાની ખાસ જરૂરિયાત છે.