(એજન્સી) નવી દિલ્હી, તા.રર
સુપ્રીમકોર્ટના આદેશ પછી ‘પદ્માવત’ને રીલીઝ કરવા તૈયારીઓ થઈ રહી છે. એ દરમિયાન રાજસ્થાન અને મધ્યપ્રદેશે સુપ્રીમકોર્ટમાં ફેરવિચારણા માટે અરજી દાખલ કરી છે. રાજ્ય સરકારને પ્રતિબંધ મૂકવાનો અધિકાર આપવામાં આવે. કરણી સેના જે ફિલ્મનો વિરોધ કરી રહી છે. એમણે પણ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવા માગણી કરી છે. એમણે જણાવ્યું છે કે, ફિલ્મ નિર્માતાએ ઈતિહાસ સાથે ચેડાં કરી ખોટી રીતે ચિત્રણ કર્યું છે. બીજી અરજીઓની સુનાવણી આવતીકાલે હાથ ધરાશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશે ગુજરાત અને હરિયાણા સાથે ફિલ્મ દર્શાવવા ઉપર પ્રતિબંધ મૂકયો હતો. હરિયાણા સરકારે જાહેરાત કરી છે કે એ ફિલ્મને રોકશે નહીં. મુખ્યમંત્રી ખટ્ટરે જણાવ્યું છે કે, અમને સુપ્રીમકોર્ટના આદેશનું પાલન કરવું જોઈએ. જો થિયેટર માલિકો ફિલ્મ નહીં દર્શાવે તો એ સારી વાત છે. પણ જો કોઈ થિયેટર માલિક ફિલ્મ દર્શાવશે તો અમે એમને રક્ષણ આપીશું. ‘પદ્માવત’ ફિલ્મ સંદર્ભે અરજીની સુનાવણી દરમિયાન આ પહેલાં સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે અમે લોકોની ધમકીઓના લીધે ફિલ્મ ઉપર પ્રતિબંધનો આદેશ નહીં આપીએ. કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય સરકારની છે. સુપ્રીમકોર્ટના આદેશ છતાંય વિરોધ કરનારાઓ શાંત થયા નથી. ફિલ્મના પ્રદર્શન પહેલાં જ ગુજરાત અને રાજસ્થાનમાં પ્રદર્શનો ચાલુ છે અને વધુ હિંસક પણ બન્યા છે. કરણી સેનાએ થિયેટરો બાળવાની ધમકીઓ આપી છે. રાજ્ય સરકારોએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, સિનેમેટોગ્રાફની કલમ ૬ હેઠળ રાજ્ય સરકારને ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવાનો અધિકાર છે. જો રાજ્ય સરકારને એવું જણાય છે કે, ફિલ્મના પ્રદર્શનથી રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી શકે છે.