(એજન્સી) તા.૫
આરટીઆઇ એક્ટ હેઠળના એક પ્રશ્નના જવાબમાં એવો ઘટસ્ફોટ થયો છે કે સુપ્રીમ કોર્ટ સમક્ષ ૯૩૧ જેટલી વચગાળાના, મિયમિત કે આગોતરા જામીનની અરજીઓ પડતર છે. આ ઉપરાંત સજા મોકૂફીની ૧૪૧ જેટલી અરજીઓ પણ પડતર છે.
રીપબ્લિક ટીવીના અર્નબ ગૌસ્વામીને જામીન મળ્યાં બાદ આરટીઆઇ કાર્યકર સાકેત ગોખલેએ આ અંગે માહિતી માગી હતી. આ કેસમાં જામીન અરજી દાખલ થયાના એક દિવસમાં જ એટલે કે ૧૦, નવે.ના રોજ સુનાવણી હાથ ધરાઇ હતી. એ વખતે દિવાળીની રજાઓને કારણે સુપ્રીમ કોર્ટ બંધ હતી અને વેકેશન બેંચ કામ કરી રહી હતી.
લાઇવ લોના જણાવ્યા અનુસાર ગોખલેએ ૧૨, નવે.૨૦૨૦ના રોજ સુપ્રીમકોર્ટ સમક્ષ એક પણ સુનાવણી થઇ ન હોય એવી વચગાળાની પડતર અરજીઓની સંખ્યા અંગે માહિતી માગી હતી. ૧૮, ડિસે.ના રોજ સુપ્રીમ કોર્ટના એડિશનલ રજીસ્ટ્રાર અને સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસ અજય અગ્રવાલે જણાવ્યું હતું કે કોર્ટ ગોખલેએ જે માહિતી માગી છે તે વચગાળાની જામીન અરજીઓ અંગેની માહિતીનો રેકોર્ડ રાખતી નથી.
જો કે તેમણે જામીનને લગતા પડતર કેસો અને સજા મોકૂફીની અરજીઓ અંગેની માહિતી પૂરી પાડી હતી. આ માહિતી અનુસાર જામીન/વચગાળાના જામીન/આગોતરા જામીનને લગતી ક્રિમિનલ મેટર્સમાં થયેલ એસએલપીની પડતર સંખ્યા ૯૩૧ હોવાનું જણાવાયું છે. ગોખલેએ રજીસ્ટ્રીમાં દાખલ કરાયેલ વચગાળાની જામીન અરજીને સરેરાશ કેટલો પ્રતિક્ષા સમય લાગે છે તેની માહિતી માગી હતી. તેના જવાબમાં સીપીઆઇઓ દ્વારા જણાવાયું છે કે આ અંગેની કોઇ માહિતી ડેટા રાખવામાં આવતા નથી. આ અગાઉ અર્નબ ગૌસ્વામીની જામીન અરજીને આપવામાં આવેલ પ્રાથમિકતા અંગે સુપ્રીમકોર્ટ બાર એસોસીએશનના પ્રમુખ દુષ્યંત દવેએ સુપ્રીમકોર્ટને પત્ર લખીને જણાવ્યું હતું કે વહીવટી સત્તાવાળાઓનો આ ઘોર દુરુપયોગ છે. તેના પરથી એવી છાપ ઊભી થાય છે કે કેટલાક વકીલોને ખાસ માવજત આપવામાં આવે છે.
સુપ્રીમકોર્ટ સમક્ષ ૯૩૧ જામીન અરજીઓ પડતર છે : RTI દ્વારા ઘટસ્ફોટ

Recent Comments