(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
સુપ્રીમકોર્ટે હદિયાના પિતાએ કરેલ રજૂઆતોને ધ્યાનમાં લીધું નથી. એના પિતાએ રજૂઆતો કરી હતી કે એમની દીકરીને ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવ્યું છે જેથી એની સંમતિને સંપૂર્ણ ગણવામાં નહીં આવે. સુપ્રીમકોર્ટે સોમવારે આદેશ આપ્યો કે હદિયા ઉર્ફે અખિલા જે હિન્દુ યુવતી છે અને ઈસ્લામ ધર્મ સ્વીકારી મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા છે એમને ર૭મી નવેમ્બરે સુપ્રીમકોર્ટ સમક્ષ બપોરે ૩ઃ૦૦ વાગે રજૂ કરવામાં આવે. સુપ્રીમકોર્ટની મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની બેંચે જણાવ્યું કે, સૌથી પહેલાં અમે યુવતીના વિચારો જાણવા માંગીએ છીએ કે એમણે ઈસ્લામ ધર્મ પોતાની ઈચ્છા મુજબ સ્વીકાર્યો છે કે કેમ ? અને એ પછી મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા છે. હદિયાના પિતાએ કહ્યું કે શાફિન જહાં એક મોટા ત્રાસવાદી સંગઠનનો મોહરો માત્ર છે. જેનું કામ યુવાઓને ફોસલાવી આતંકી સંગઠન સાથે જોડાવા પ્રોત્સાહિત કરવાનો છે અને વધુમાં માગણી કરી હતી કે એમની પુત્રીનું નિવેદન ખાનગીમાં લેવામાં આવે નહીં કે ખુલ્લી કોર્ટમાં. જજ દીપક મિશ્રાએ કહ્યું કે, આ લગ્નનો મુદ્દો છે. સૌથી પહેલાં અમે યુવતીને સાંભળીશું. પછી જો અમને શંકા થશે કે એ સંમતિ પોતાની ઈચ્છાથી નથી આપી રહી તો પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે. સુપ્રીમકોર્ટે પ્રશ્ન કર્યો કે યુવતીને બળજબરીથી ગોંધી રખાઈ છે. જેનો યુવતીના પિતાના વકીલે ઈન્કાર કરતાં જજ મિશ્રાએ કહ્યું કે તો પછી એને અહીં રજૂ કરવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અમે લાગણીઓ બાબત ધ્યાન નહીં આપીએ પણ ફકત કાયદાકીય મુદ્દાઓને ધ્યાનમાં લઈને જ નિર્ણય કરીશું અને યુવતીનું નિવેદન ખુલ્લી કોર્ટમાં જ નોંધીશું.