(એજન્સી) તા.૧૩
વોચમેનની વોચ કોણ રાખે ? આ પ્રશ્ન સુપ્રીમકોર્ટના ચાર સિનિયર જજોએ પોતાની હૈયાવરાળને વાચા આપવા પત્રકાર પરિષદ યોજવાનું અભૂતપૂર્વ પગલું લીધું ત્યારે ઊભો થયો હતો અને સંભવતઃ આ પ્રશ્નની મુખ્ય ન્યાયમૂર્તિ (સીજે) દ્વારા ઉપેક્ષા કરવામાં ંંઆવી હતી.
સ્વતંત્ર ભારતમાં આ પ્રકારની અદાલતી અને ન્યાયતંત્રની કટોકટી ક્યારેય જોવા મળી નથી. આ મામલામાં કેન્દ્રસ્થાને મૂળભૂત મુદ્દો એ છે કે શું ચીફ જસ્ટિસ રોસ્ટરના માસ્ટર છે કે માત્ર સરખામાં સૌપ્રથમ છે ? પત્રકાર પરિષદમાં જે ફરિયાદને વાચા આપવામાં આવી છે તે એ છે કે મહત્વના કેસોની સુનાવણી નક્કી કરતી વેળા બેંચોની રચનાની બાબતમાં સુપ્રીમના કેટલાય વરિષ્ઠત્તમ જજોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
પૂરક ફરિયાદ એ છે કે મુખ્ય ન્યાયમૂર્તિ સાથે આ પ્રશ્ન ચર્ચવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા જેના કારણે ચાર સિનિયર જજોને પત્રકાર પરિષદ બોલાવવી પડી. આ વિવાદ પાછળ તેનો છૂપો હેતુ વધારે ખતરનાક છે. આ કોઇ રાજકીય મુદ્દો નથી. આ મુદ્દો દેશની આદરણીય સંસ્થાઓને સ્પર્શે છે. આથી એ બહેતર રહેશે કે મુખ્ય ન્યાયમૂર્તિ પહેલ કરે અને પોતાના સાથીઓ સાથે ચર્ચા કરીને સમાધાન પર આવે. જો તેઓ આ પહેલ ન કરે તો સરકારે મુખ્ય ન્યાયમૂર્તિ અને તેમના વરિષ્ઠ સાથીઓ વચ્ચે મધ્યસ્થિ કરવા માટે નિમણૂક કરવી જોઇએ. સદ્‌નસીબે પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિઓ સહિત આ દેશમાં અગ્રણી ન્યાયવિદોની અછત નથી તેમાંથી કોઇની મધ્યસ્થિ તરીકે નિમણૂક કરવી જોઇએ. આખરે સરકાર અને અદાલત બંને માટે ન્યાયમૂર્તિઓની નિમણૂક કરવા માટે પારસ્પારીક રીતે સ્વીકાર્ય અનેપારદર્શી પ્રક્રિયાને આખરી ઓપ આપવા માટે આ એક તક છે. આ મુદ્દા પર હજુ બહુ પ્રગતિ થઇ નથી અને ચાર જજો દ્વારા પણ તેને ઉઠાવવામાં આવ્યો નથી પરંતુ આ મુદ્દો વિવાદાસ્પદ રહ્યો છે. આ મુદ્દો ભલે કદાચ વર્તમાન કટોકટી માટે જવાબદાર ન હોય પરંતુ કટોકટીને લંબાવવા માટે ચોક્કસપણે જવાબદાર છે.