(એજન્સી) તા.૯
હાથરસ બળાત્કાર-હત્યા કેસના મામલામાં સુપ્રીમ કોર્ટે ઉ.પ્ર. સરકાર દ્વારા સુપરત કરવામાં આવેલ એફિડેવિટમાં અનેક હકીકત દોષ અને વિકૃતિઓ, કાનૂની જૂઠાણા અને તર્કનો અભાવ જોવા મળે છે. સીબીઆઇ તપાસની માગણી કરવી એ ચોક્કસપણે સરકારનો અધિકાર છે પરંતુ કાનૂની નિર્બળતાઓ અને અતાર્કિક દાવાઓ પર આધારીત રજૂઆત સુપ્રીમ કોર્ટને કરવાનો પ્રયાસ એ સમગ્ર ઘટનાક્રમને ભીનું સંકેલવાનો એવો ભયાનક પ્રયાસ હતો કે અલ્હાબાદ હાઇકોર્ટને આ ઘટનાક્રમની સુઓમોટો નોંધ લેવાની ફરજ પડી હતી. એફિડેવિટમાં એ હકીકત પર લંબાણપૂર્વક રજૂઆત કરાઇ છે કે ૧૯ વર્ષની દલિત પીડિતાની પ્રથમ ફરિયાદમાં બળાત્કારનો ઉલ્લેખ જ થયો ન હતો. વાસ્તવમાં ૧૪, સપ્ટે. પીડિતાને જ્યાં પ્રથમ વખત લઇ જવામાં આવી હતી તે હાથરસ ક્લિનીક ખાતેના વીડિયોમાં તેણે જબરદસ્તી થઇ હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને ૨૨, સપ્ટે. યુવતીએ બળાત્કારના સ્પષ્ટપણે ઉલ્લેખ પણ કર્યો હતો. અલીગઢમાં જેએનએમસીએચ હોસ્પિટલે મેજીસ્ટ્રેટને એ જ દિવસે તેનું મરણોન્મુખ નિવેદન રેકોર્ડ કરવા પણ જણાવ્યું હતું. યુપી સરકારે એફિડેવિટમાં યૌન હુમલાનું રટણ કર્યુ છે અને એવો દાવો કર્યો છે કે ફોરેન્સિક તપાસ અહેવાલ રેપને સમર્થન આપતો નથી. વાસ્તવમાં ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ એક્ટ ૨૦૧૩ દ્વારા સુધારા કરાયાં મુજબ આઇપીસીની કલમ ૩૭૫ હેઠળ બળાત્કારની વ્યાખ્યામાં પેનીટ્રેશન દ્વારા સંભોગ થવો જરૂરી નથી. આ વ્યાખ્યા અનુસાર આંગળી, હાથ કે મોં દ્વારા શરીરના કોઇ પણ ભાગ કે પદાર્થથી સ્ત્રીના જનનાંગોને સ્પર્શ થાય તે પણ રેપ ગણવામાં આવે છે. ઉ.પ્ર.સરકારની એફિડેવીટમાં જેએનએમસીએચ રિપોર્ટના નિષ્કર્ષની પણ ખોટી રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત કોઇ વસ્તુને યથાર્થ ઠરાવવા માટે ગુપ્તચર અહેવાલને ટાંકવો એ પણ ગેરવાજબી પ્રયુક્તિ છે. આથી વેધક પ્રશ્ન એ છે કે આ પ્રકારના અહેવાલના સમર્થનમાં કોઇ વિશ્વસનીય પુરાવા છે ખરા ? એફિડેવિટમાં સોશિયલ મીડિયા પર સરકારની છબીને બદનામ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે જે અતાર્કિક છે. આમ બળાત્કારની ગેરમાર્ગે દોરનારી વ્યાખ્યાનો ઉપયોગ કરવાથી લઇને અતાર્કિક સાઝીશની થિયરી સુધી એફિડેવિટમાં આ ભયાનક ઘટનાક્રમનું તરોડી મરોડીને સ્વાર્થી વર્ઝન રજૂ કરવામાં આવ્યું છે.