(એજન્સી) તા.૨૪
જજ બી એચ લોયાના મૃત્યુને લગતા કેસમાં ઔચિત્ય, નિષ્પક્ષતા અને ન્યાયાધિન બાબતનું રિપોર્ટીંગ કરવા માટે મીડિયાની સ્વતંત્રતાના મુદ્દે વકીલ અને જજો વચ્ચે ઉગ્ર દલીલબાજી સાથે સોમવારે સુપ્રીમકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિના વડપણ હેઠળની બેંચ સમક્ષ આ કેસમાં સુનાવણીનો આરંભ થયો હતો.
૧ ડિસે.૨૦૧૪ના રોજ જજ લોયાના રહસ્યમય મૃત્યુમાં સ્વતંત્ર તપાસની દાદ માગતી સુપ્રીમકોર્ટ સમક્ષ અરજી દાખલ કરનાર બે પિટિશનરો છે, પરંતુ ઇન્ટરવિનર વતી હાજર થયેલ બે વકીલો દુષ્યંત દવે અને ઇંદિરા જયસિંઘે સોમવારે સુનાવણી માટેનો એજન્ડા નિર્ધારીત કર્યો છે. શું લોયાનું મૃત્યુ રહસ્યમય હતું ? અત્યારે તો એવું લાગે છે કે તેમનું મૃત્યુ કુદરતી સંજોગોમાં થયું છે એવું બેંચ પરના ત્રણ જજ પૈકી એક જજ ડી વાય ચંદ્રચૂડે નોંધ્યું હતું.
દુષ્યંત દવે આ વાત સાથે સંમત થયા હતા પરંતુ તેમણે ઉમેર્યું હતું કે એવા કેટલાક મુદ્દાઓ છે જે તેનાથી ઉલ્ટી બાબતનો નિર્દેશ આપે છે. દવેએ કુદરતી મૃત્યુની થિયરી અંગે કેટલાક શકમંદ મુદ્દાઓ લિસ્ટ કરવા માગણી કરી હતી પરંતુ બેંચે જણાવ્યું હતું કે દસ્તાવેજોના સંપૂર્ણ રેકર્ડના અભાવે તેની ચર્ચા કરવી અપરિપક્વ ગણાશે.
આથી બેંચે મહારાષ્ટ્ર સરકાર અને વકીલ બંને પાસેથી દસ્તાવેજો એકત્ર કરવાનો માર્ગ મોકળો કર્યો હતો. ૧૨ જાન્યુ.એ ચાર સિનિયર જજોએ તેમની પત્રકાર પરિષદમાં જસ્ટિસ લોયાના કેસની સુનાવણીની ફાળવણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ આ કેસ મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સમક્ષ મેન્શન કરવામાં આવ્યો હતો અને તેમની સમક્ષ જ લિસ્ટિંગ કરાયો હતો.
ઇન્ટરવિનર્સ શરુઆતમાં હાઇકોર્ટમાં પડતર કેસો સુપ્રીમકોર્ટને ટ્રાન્સફર કરવા સંમત ન હતા પરંતુ મહારાષ્ટ્ર સરકારના વકીલ મુકુલ રોહતગીએ તેનો વિરોધ કરીને જણાવ્યું હતું કે એક જ કેસમાં સમાંતર સુનાવણી થઇ શકે નહીં અને સુપ્રીમકોર્ટને તેમાં મેરિટ જણાતાં પોતાની સમક્ષ આ કેસ ટ્રાન્સફર કરાવવા માગે છે. છેવટે ઇન્ટરવિનર્સ સંમત થયા હતા પરંતુ સુપ્રીમકોર્ટ તરફથી એવી ખાતરી મેળવી હતી કે સુપ્રીમકોર્ટનો આદેશ સોહરાબુદ્દીન કેસમાં અમિત શાહને દોષમુક્ત જાહેર કરવાના ચુકાદા સામે પડકારવામાં સીબીઆઇની નિષ્ફળતા વિરુદ્ધ કોઇને હાઇકોર્ટ જતા રોકશે નહીં. આથી મુખ્ય ન્યાયમૂર્તિએ દુષ્યંત દવેને જણાવ્યું હતું કે અમને તેની સાથે કોઇ નિસ્બત નથી. સુપ્રીમકોર્ટે આ કેસની સુનાવણી ૨ ફેબ્રુ.ના રોજ યોજવા આદેશ કર્યો છે કે જ્યારે બેંચે સ્વયં નિર્ધારીત કરેલ નિષ્પક્ષતાના ધોરણો પર તેની કસોટી થશે.