(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૪
ગુજરાતમાં લગ્ન સમારંભો તથા જાહેર સત્કાર સમારંભો ઉપરાંત રાજકીય મેળાવડાઓને કારણે કોરોના વકર્યો હોવાના સુપ્રીમ કોર્ટના ઠપકા બાદ ગુજરાત સરકાર રાજ્યના ચાર શહેરોમાં ચાની કિટલીઓ અને પાનના ગલ્લાઓ બંધ કરી શકે છે ઉપરાંત રાજ્યની સરહદો પણ સીલ કરવામાં આવે તેવી શક્યતા છે. ગઈકાલે સુપ્રીમ કોર્ટની ઝાટકણી અને વડાપ્રધાન સાથેની બેઠક બાદ રાજ્ય સરકારમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં કોરોના વિસ્ફોટને પગલે પહેલાં સુપ્રીમ કોર્ટ અને પછી વડાપ્રધાન સાથેની બેઠકમાં કોરોનાના વધતા કેસો અંગેની ગંભીર નોંધ લઈને સરકારને કડક અને ચોક્કસ ગાઈડલાઈન્સ સાથે પગલાં ભરવા તથા નિર્ણયો કરવાની સૂચના તેમજ ઠપકો આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. એ જોતાં આગામી દિવસોમાં ગુજરાતના ચાર મોટાં શહેરમાં ભીડભાડવાળા ધંધા-રોજગાર બંધ કરાવવામાં આવી શકે છે. ખાસ કરીને ચાના અને પાનના ગલ્લા બંધ કરાવી દેવામાં આવી શકે છે, સાથે-સાથે ગુજરાતની સરહદો પણ સીલ કરી ખાસ કિસ્સામાં ટેસ્ટ વિના પ્રવેશ નહીં આપવાનો નિર્ણય થઈ શકે છે. ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં અચાનક જ વધારો થઈ જતાં સુપ્રીમ કોર્ટે નોંધ લઈ રાજ્યોની સરકારોને ખખડાવી નાખી હતી. સુપ્રીમ કોર્ટનો ઠપકો મળ્યાના કલાકોમાં જ રાજ્ય સરકારે લગ્ન માટેની મંજૂરીનો નિર્ણય બદલીને પ્રસંગમાં ૨૦૦ની જગ્યાએ ૧૦૦ લોકોને આમંત્રિત કરવાનો આદેશ કરી દીધો છે. જો કે, હવે લગ્ન જ નહીં, પરંતુ અન્ય વ્યવસાયો જેમાં ખાસ કરીને ચા-પાનના ગલ્લાને પણ બંધ કરવામાં આવે. એ ઉપરાંત રાજ્યની બોર્ડરોને સીલ કરવામાં આવે તેવી અટકળોએ જોર પકડી લીધું છે. આ કડક નિર્ણયો લેવા માટે સરકારમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જે માટે ગમે ત્યારે આદેશ છૂટી શકે છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવા સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી હોવા છતાં તેની કોઈ જ અસર પડી ન હોય તેવી રીતે ચા-પાનના ગલ્લે લોકોના ટોળાં એકઠાં થવાનું ચાલુ રહેતાં ત્યાંથી પણ કોરોના વધુને વધુ સ્પ્રેડ થતો હોવાનું તારણ બહાર આવ્યું હતું. તંત્ર દ્વારા દુકાન સીલિંગ, દંડ સહિતના પગલાં લેવામાં આવ્યા હોવા છતાં પણ એનાથી કોઈ જ ફરક પડ્યો હોય એવું ન દેખાતાં હવે સરકાર દ્વારા ચા-પાનના ગલ્લા થોડા સમય માટે બંધ કરાવવામાં આવે એવી સંભાવના નકારી શકાતી નથી.