(એજન્સી) તા.૧૧
શુક્રવારે વહેલી સવારે કાનપુર નજીક થયેલા વિકાસ દુબેના અન્કાઉન્ટરની સુપ્રીમ કોર્ટની એક તપાસ સમિતિએ અત્યંત વિચિત્ર ઘટના સાથે સરખાવ્યું હતું. ગત વર્ષે હૈદરાબાદ નજીક વેટરનરી ડોક્ટર દિશા ઉપર થયેલા સામુહિક બળાત્કાર અને બાદમાં તેની હત્યાના કેસમાં પકડાયેલા ચાર આરોપીઓના થયેલા એન્કાઉન્ટરની ઘટનાની તપાસ કરવા સુપ્રીમ કોર્ટ આ તપાસ સમિતિની રચના કરી હતી.
હાલ કોવિડ-૧૯ની મહામારીના કારણે આ સમિતિનું તપાસકાર્ય થોડા સમય માટે ખોરંભે પડી ગયું હતું પરંતુ હવે સ્થિતિ સામાન્ય થતાં આ સમિતિના તમામ ત્રણ સભ્યો દિશા કેસની સપાત માટે ટૂંક સમયમાં જ હૈદરાબાદ પરત ફરશે. વિકાસ દુબેના એન્કાઉન્ટરની ઘટના એક અત્યંત વિચિત્ર ઘટના છે એમ સીબીઆઇના ભૂતપૂર્વ ડિરેક્ટર અને આ તપાસ પંચના એક સભ્ય એવા ડીઆર કાર્તિકેયને નવી દિલ્હીથી ફોન ઉપર ડેક્કન ક્રોનિકલને કહ્યું હતું. તેમણે આ ઘટનાને અત્યંત વિચિત્ર બાબત સાથે સરખાવીને સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે વિકાસ દુબેના એન્કાઉન્ટર બાબતે ઉત્તર પ્રદેશની પોલીસે જે સ્ટોરી રજૂ કરી હતી તેની સાથે તે સહેજપણ સંમત નથી. ઉલ્લેખનીય છે કે આ ભૂતપૂર્વ આપીએસ અધિકારી કાર્તિકેયન રાજીવ ગાંધી હત્યા કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના અધ્યક્ષ હતા. વેટરનરી ડોક્ટર દિશાની ઉપર કેટલાંક બદમાશોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી દીધી હતી જેના પગલે તેલંગાણા પોલીસે ચાર આરોપીઓ મોહમંદ આરીફ, જે નવિન, જે શિવા અને ચેન્નાકેશવુલુની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ સમગ્ર તેલંગાણામાં પોલીસની નિષ્ક્રિયતા બદલ પ્રજાનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને દિશાને ન્યાય અપાવવાની પ્રચંડ માંગ ઉબી થઇ હતી. બાદમાં તેલંગાણા પોલીસે ગત ૬ ડિસેમ્બરના રોજ સાદાબનગર પાસે આ ચારે ચાર આરોપોનું એન્કાઉન્ટર કરીને તેઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે આ ઘટના બદલ એવો લૂલો બચાવ કર્યો હતો કે આ ચાર આરોપીઓએ તેઓના હથિયારો છીનવી લઇ પોલીસની ઉપર જ ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું હતું, જેથી પોલીસે સ્વબચાવમાં કરેલાં ગોળીબારમાં તમામ ચારે ચાર આરોપીઓના મોત થયા હતા. વિકાસ દુબેના અન્કાઉન્ટરની તમામ વિગતોને બારીકાઇથી જોતાં આ ઘટના અત્યંત વિચિત્ર લાગે છે, પરંતુ આ અંગે હું વધુ કંઇ કહીશ નહીં એમ કાર્તિકેયને કહ્યું હતું.