(એજન્સી) તા.૧ર
સરકાર દ્વારા બે જજોની નિમણૂકમાં થતાં વિલંબ વિશે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટના એક વરિષ્ઠ જજે મુખ્ય ન્યાયાધીશને લખેલા પત્રમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની જીવંતતા અને અસ્તિત્વ જોખમમાં છે. આ પત્રમાં જસ્ટિસ જોસેફે લખ્યું હતું કે, કોલેજિયમની ભલામણો પર કાર્યવાહી કરવાને બદલે સરકાર તેના વિશે નિષ્ક્રિય છે. જો સરકારની આ નિષ્ક્રિયતા સામે કોર્ટ પગલાં નહીં ભરે તો “ઈતિહાસ આપણને માફ નહીં કરે” જસ્ટિસ જોસેફે આ પત્રની નકલ સુપ્રીમ કોર્ટના અન્ય રર જજોને પણ મોકલી હતી.
૧૦ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટની કોલેજિયમે વરિષ્ઠ વકીલ ઈન્દુ મલ્હોત્રા અને ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ કે.એમ.જોસેફની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ માટે ભલામણ કરી હતી. ત્રણ મહિના વીતી જવા છતાં કેન્દ્ર સરકારે ભલામણો પર કોઈ કાર્યવાહી કરી ન હતી. જસ્ટિસ કુરિયન જોસેફ સૂચન કર્યું કે આ બાબત સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લેવી જોઈએ અને “તાત્કાલિક સાત જજોની બેંચનું ગઠન કરી બાકી રહેલી નિયુક્તિ વિશે આદેશ આપવો જોઈએ” તેમણે કહ્યું કે “આ કોર્ટના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે, ત્રણ મહિના પછી ભલામણનું શું થયું તેના વિશે કોઈ માહિતી નથી.” તેમણે આ બાબતમાં મુખ્ય ન્યાયાધીશને દખલગીરી માટે આહ્‌વાન કરતાં કહ્યું હતું કે, “જો ગર્ભકાળ પૂર્ણ થયા પછી સામાન્ય પ્રસુતિ ન થાય તો તાત્કાલિક સિઝેરિયન કરવું પડે છે. જો આ પ્રકારની શસ્ત્રક્રિયા સમય પર ન કરવામાં આવે તો બાળક ગર્ભાશયમાં મૃત્યુ પામે છે.”