(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૭
ખ્યાતનામ વકીલોના સંગઠનોએ સુપ્રીમ કોર્ટના પ્રશાંત ભૂષણને અવમાનના કેસમાં દોષિત ઠરાવવાના ચુકાદા બદલ નારાજગી દર્શાવી છે. એમણે ચેતવણી આપી છે કે, ચુકાદાથી ખોટો દાખલો બેસશે અને વાણી સ્વતંત્રતાના અધિકારને અવરોધશે.
ઓલ ઈન્ડિયા લોયર્સ યુનિયને જણાવ્યું છે કે, અમે ચુકાદાથી નિરાશ થયા છીએ અને આ ચુકાદાની યોગ્ય આલોચના કરવા ઉપર નકારાત્મક અસર પડશે. સંસ્થાના જનરલ સેક્રેટરીએ પી. સુરેન્દ્ર નાથે કહ્યું કે, “ચુકાદો ચેતવણી રૂપ છે અને સુપ્રીમ કોર્ટ પોતે જ પોતાના ઉપર જ ઘા કરી ઈજા પહોંચાડે છે.
એમણે કહ્યું કે, આના લીધે અવમાનનાનો કાયદો દૂર કરવા અને સુપ્રીમ કોર્ટની આ કાયદા હેઠળ કાર્યવાહી ચલાવવા માટે બંધારણના અનુચ્છેદ ૧૨૯ હેઠળ જે અબાધ સત્તા મળેલ છે એને નાબુદ કરવા એક તીખી ચર્ચાને પ્રોત્સાહન મળશે.
આ જ પ્રકારનું મંતવ્ય ધરાવતા અન્ય વકીલોની સંસ્થા ઓલ ઈન્ડિયા લોયર્સ કાઉન્સિલે કહ્યું કે, ભૂષણના ટિ્‌વટોને ભાગ્યે જ અવમાનના ધરાવતા કહી શકાય. સંસ્થાના સેક્રેટરી શરફૂદ્દીન અહમદે કહ્યું કે, જ્યારે કહેવાતી બિન સાંપ્રદાયક પાર્ટીઓ નિષ્ફળ રહી છે ત્યારે ભૂષણે સત્ય બોલવાનું સાહસ કર્યું છે.
ભૂષણના બે ટિ્‌વટોને સુરેન્દ્રનાથે ફક્ત અભિપ્રાય હોવાનું જણાવ્યું હતું. આ ટિ્‌વટો ફક્ત આલોચના છે જેમને વાણી સ્વતંત્રતાના મૂળભૂત અધિકારના અનુચ્છેદ ૧૯(૧) હેઠળ રક્ષણ મળેલ છે. એમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના અમુક ચુકાદાઓ જેમ કે એ.કે.ગોપાલન કેસ, બેંક રાષ્ટ્રીય કારણ કેસ, મેનકા ગાંધી કેસ, સબરીમાલા કેસ, આધાર કેસ જેવા ચુકાદાઓની આપણી લોકશાહી ઉપર ઘણી અસર થઈ છે. આ અસર સકારાત્મક હોય કે નકારાત્મક એ ફક્ત અભિપ્રાયનો વિષય છે અને વધુમાં એ રાજકીય પ્રશ્ન હોઈ શકે પણ ન્યાયિક પ્રશ્ન હોઈ શકે નહીં.
એમણે કહ્યું કે, ભૂષણે પહેલાના ટિ્‌વટ બદલ ખુલાસો કર્યો હતો અને દુઃખ વ્યક્ત કર્યું હતું જેથી આ ટિ્‌વટને અવમાનના ગણી શકાય નહીં.
વકીલોના સંગઠનોએ આશા વ્યક્ત કરી છે કે, સુપ્રીમ કોર્ટ પોતાની મેળે આ ચુકાદાને ક્યુરેટીવ અથવા રિવ્યૂ અરજી દ્વારા પુનઃ વિચારણા માટે ધ્યાનમાં લેશે.