(એજન્સી) નવી દિલ્હી, તા.રર
સુપ્રીમ કોર્ટમાં જજો વચ્ચેના સંઘર્ષમાં નવો વિવાદ સામે આવ્યો છે. આ વખતે સુપ્રીમ કોર્ટના જજોની જુદી-જુદી બેંચો વચ્ચે સંઘર્ષ થયો છે. એક તરફ જજ મદન લોકુરની બેંચ છે અને બીજી તરફ જજ અરૂણ મિશ્રાની બેંચ છે. જજ અરૂણ મિશ્રાની બેંચે આ મહિનામાં જમીન અધિગ્રહણ કાયદો-ર૦૧૩ના સંદર્ભે એક ચુકાદો આપ્યો હતો જેમાં એમણે ઠરાવ્યું હતું કે હસ્તગત કરાયેલ જમીન ઉપર કેન્દ્ર સરકારનો જ કબજો રહેશે. ભલે એની સામે વળતર ચૂકવવામાં આવ્યું નહીં હોય. ચુકાદામાં કહેવાયું હતું કે જો વળતરની રકમ સરકારની તિજોરીમાં જ પડી રહેલ હોય તો પણ એવું માનવામાં આવશે કે વળતરની ચૂકવણી થઈ ગઈ છે. આ પછી જજ લોકુર અને જજ કુરિયન જોસેફની બેંચે આ ચુકાદાની આલોચના કરી હતી. બેંચે કહ્યું આ ચુકાદો કાયદાના સ્થાપિત સિદ્ધાંતો વિરૂદ્ધ છે. એમણે ચુકાદાને તત્ત્વવિહીન જણાવ્યું. જેમણે પોતાના આદેશમાં બધી હાઈકોર્ટોને સૂચના આપી કે ઉપરોક્ત જજ મિશ્રાના ચુકાદાને સ્વીકારવામાં આવે.
આજે જમીન અધિગ્રહણ સંદર્ભે એક કેસ સામે આવતા જજ અરૂણ મિશ્રાએ કેસને સીજેઆઈ દીપક મિશ્રા તરફ અંતિમ નિર્ણય માટે મોકલ્યો. મિશ્રાએ કહ્યું કે સમાન હોદ્દા અને અધિકારો ધરાવતી બેંચોને અન્ય બેંચના ચુકાદાની આલોચના કરવી યોગ્ય નથી એ સાથે એને અયોગ્ય ઠરાવી રદ કરવાનો પણ અધિકાર નથી. આ પહેલા થયેલ વિવાદોમાં જજ અરૂણ મિશ્રાની બેંચને માનીતી બેંચ જાહેર કરાઈ હતી. જેની પાસે સંવેદનશીલ કેસો મોકલાતા હતા. નોંધનીય છે કે જે બે જજોએ અરૂણ મિશ્રાના ચુકાદાને બંધ કર્યો છે એ સીજેઆઈ સામે થયેલ બળવાખોર જજોમાંના બે જજ છે.