(એજન્સી) નવી દિલ્હી,તા.૪
સુપ્રીમ કોર્ટમાં ઉત્તરપ્રદેશ પ્રોહીબીશન ઓફ અનલોફુલ કન્વર્ઝન ઓફ રીલીજીયન ઓર્ડિનન્સ ૨૦૨૦ અને ઉત્તરાખંડ ફ્રીડમ ઓફ રીલીજીયન એક્ટ ૨૦૧૮ને પડકારતી અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી વકીલો વિશાલ ઠાકરે અને અભયસિંઘ યાદવ અને રિસર્ચર પ્રન્વેશ દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીમાં જણાવ્યું છે કે યુપીનો વટહુકમ બંધારણના મૂળભૂત માળખાને અસર કરે છે. મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે શું સંસદને બંધારણમાં આપેલ મૂળભૂત અધિકારોને સુધારવાની સત્તા છે કે કેમ ? અરજદારોએ જણાવ્યું છે કે સંસદને આ પ્રકારની સત્તા નથી. અને જો વટહુકમનો અમલ કરવામાં આવશે તો એથી સમાજમાં અવ્યવસ્થા ફેલાશે. વધુમાં જણાવે છે કે રાજ્ય સરકારો દ્વારા પસાર કરાયેલ આ કાયદાઓ સ્પે. મેરેજ એક્ટ ૧૯૫૪ની જોગવાઈઓનો ભંગ કરનાર છે. અને આ કાયદો એવા લોકોમાં ભય ઊભો કરશે જેઓ લવ જેહાદનો ભાગ પણ નથી. વટહુકમથી એમની ખોટી રીતે સંડોવણી કરવામાં આવશે. અરજદારોએ સુપ્રીમ કોર્ટના સીમાચિન્હ ચુકાદા કેશવાનંદ ભારતી કેસનો હવાલો આપી જણાવ્યું કે આ કેસમાં કોર્ટે ઠરાવ્યું હતું કે સંસદ બંધારણમાં સુધારો કરી શકે પણ સંસદ બંધારણના મૂળભૂત માળખાને બદલી નહિ શકે. અરજદારોએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ દ્વારા પસાર કરાયેલ કાયદાઓને ગેરકાયદેસર ગણાવી રદ્દ કરવો જોઈએ કારણ કે એ બંધારણના મૂળભૂત માળખા, જાહેર નીતિ અને સમાજની વિરુદ્ધ છે. આ વટહુકમ એવા વ્યક્તિઓ માટે સાધન બની શકે છે જેઓ ખોટી રીતે કોઈને ફસાવવા ઈચ્છે છે. આ કાયદાઓનો અમલ થવાથી જે લોકો કોઈ પણ કૃત્યમાં સંડોવાયેલ નથી એમને અન્યાય થશે.
Recent Comments