(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૪
સુપ્રીમ કોર્ટે એલ્ગર પરિષદ-ભીમા કોરેગાંવ કેસના આરોપી વકીલ અને એક્ટિવિસ્ટ સુધા ભારદ્વાજની જામીન અરજી સાંભળવા ઇનકાર કર્યો. આ કેસની તપાસ એન.આઈ.એ. કરી રહી છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચના જજો યુ.યુ.લલિત અને જજ અજય રસ્તોગીની બેન્ચે ભારદ્વાજની અરજી અરજદાર દ્વારા પાછી ખેંચાઈ હોવાની જાહેરાત કરી હતી. અરજદાર તરફે હાજર રહેલ વકીલ વૃંદા ગ્રોવરે રજૂઆત કરી હતી કે, અરજદાર છેલ્લા બે વર્ષથી જેલમાં છે જે દરમિયાન એમની સામે હજુ સુધી આક્ષેપો પણ ઘડાયા નથી. એમની પાસેથી કંઈ પણ મળી આવેલ નથી અને એમની પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ પણ જપ્ત કરવામાં આવી નથી.
અરજદારના સ્વાસ્થ્ય સંદર્ભે રજૂઆત કરતા જણાવ્યું કે તેઓ ડાયાબિટીસ અને અન્ય રોગોથી પીડિત છે. એમને દવાઓ આપવામાં આવે છે પણ એમને વધુ ટેસ્ટ કરાવવાના છે જેથી એમની બીમારીનું નિદાન થાય. એ માટે એમના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવે. અરજદાર ટેસ્ટ કરાવી કોર્ટમાં હાજર થશે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે એમની જામીન અરજી હાઇકોર્ટમાં પડતર છે. ગ્રોવરે કહ્યું કે તેઓ ટેસ્ટ કરાવવા કોર્ટની મદદ માંગે છે જે જેલની હોસ્પિટલમાં શક્ય નથી. બેન્ચે કહ્યું કે તમારી પાસે યોગ્ય કારણ છે. તમે નિયમિત જામીન અરજી કેમ દાખલ નથી કરતા. કોર્ટે કહ્યું કે તમે અરજી પછી ખેંચો અથવા અમે રદ્દ કરીશું, અને સલાહ આપી કે તમારે નિયમિત જામીન અરજી દાખલ કરવી જોઈએ. એ પછી અરજી પાછી ખેંચવામાં આવી હતી.
૫૮ વર્ષીય ભારદ્વાજે આ પહેલા બોમ્બે હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે જેમાં સ્વાસ્થ્યના કારણો દર્શાવ્યા છે. એમણે કહ્યું હતું કે, આ બીમારીઓના લીધે તે કોવિડ બાબતે વધુ સંવેદનશીલ છે. કોર્ટે જણાવ્યું કે અમને રાજ્ય સરકાર દ્વારા માહિતી મળી છે કે જેલ સત્તાવાળાઓ કોવિડ બાબતે વધુ સચેત છે અને પૂરતા પગલા લઇ રહ્યા છે.