(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
સુપ્રીમકોર્ટે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણની સ્થિતિ અત્યંત ખરાબ સ્તરે પહોંચા કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી અને કહ્યું કે, શહેરમાં હવાને શુદ્ધ કરવાના કયા પગલાં લીધા છે. એ બાબતે નક્કર જવાબ એક અઠવાડિયામાં રજૂ કરો. કોર્ટે કહ્યું દિલ્હી ખૂબ જ ખરાબ રીતે સહન કરી રહી છે. આજે પણ એક્યુઆઈ ૬૦૦થી ઉપર રહ્યું છે. લોકો કઈ રીતે શ્વાસ લેશે ? કોર્ટે સરકારના અધિકારીઓને સૂચના આપી કે વિશ્વમાં હવાને શુદ્ધ કરવા કેવા પગલાં લેવાય છે એનો અભ્યાસ કરો અને એ ટેકનોલોજીનું અહીં અમલ કરો. એ સાથે કોર્ટે પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉ.પ્ર.ના મુખ્ય સચિવોને સમન્સ મોકલાવી પ્રશ્ન કર્યો કે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ રોકવા એમણે કયા પગલાં લીધા છે. કોર્ટે એકી-બેકી યોજનામાંથી બે અને ત્રણ પેડાવાળા વાહનોને મુક્તિ આપવા સામે દિલ્હી સરકારને પ્રશ્ન કર્યો. કોર્ટે કહ્યું કે યોજના લાગુ કર્યા છતાંય દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું છે. પરાળી બાળવામાં પણ ઘટાડા છતાં પ્રદૂષણ વધ્યું છે એ માટે સુપ્રીમે ચિંતા દર્શાવી. દરમિયાનમાં કેન્દ્ર સરકારે પણ દિલ્હી સરકારની એકી-બેકી યોજનાની ટીકા કરી કહ્યું આ યોજનાથી પ્રદૂષણમાં કોઈ ફેર પડયો નથી. આપ નેતાએ પોતાનો બચાવ કરી પ્રદૂષણ માટે પંજાબ,હરિયાણામાં પરાળી બાળવાની ઘટનાઓ ઉપર દોષ મૂક્યો. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી જાવડેકરે કહ્યું કે, પ્રદૂષણ રોકવા માટે આપણે બધાએ ભેગા મળી કાર્ય કરવું જોઈએ. એકબીજા ઉપર દોષ મૂકવાથી કંઈ વળશે નહીં. અમારી સરકાર પ્રદૂષણ ઘટાડવા ખૂબ જ ગંભીર છે.