(એજન્સી) નવી દિલ્હી, તા.પ
સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકાર પાસેથી કેરળ હજ કમિટીની અરજી સંદર્ભે જવાબ માંગ્યો હતો. હજ કમિટીએ અરજીમાં જણાવ્યું છે કે હજ માટે જે ક્વોટા રાજ્ય મુજબ અપાય છે એ ભેદભાવ પૂર્ણ છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની બેંચે કેન્દ્ર સરકારને આ પ્રશ્નનો ઉત્તર આપવા બે અઠવાડિયાનો સમય આપ્યો હતો અને આગામી સુનાવણી ૩૦મી જાન્યુઆરીએ રાખી છે. કેરળ હજ કમિટીએ જણાવ્યું છે કે યુએઈ સરકાર ભારતને હજ માટે ૧.૭ લાખ યાત્રિકોને પ્રતિ વર્ષે મોકલવા પરવાનગી આપે છે અને આ સંખ્યાને સરકાર બધા રાજ્યોમાં વહેંચી આપે છે. આ વહેંચણી જે-તે રાજ્યની મુસ્લિમ વસ્તીના આધારે કરવામાં આવે છે. હજ કમિટીએ બિહારનો દાખલો આપી જણાવ્યું છે કે બિહાર માટે ૧ર૦૦૦ હજ યાત્રિકોને પરવાનગી અપાય છે પણ એના માટે અરજી કરનારાઓની સંખ્યા જ ૬૯૦૦ છે જ્યારે આનાથી તદ્દન વિરૂદ્ધ કેરળમાં ૬૦૦૦ લોકોને પરવાનગી અપાય છે જ્યારે અરજી કરનારાઓ ૯પ હજાર છે. જેના લીધે બિહારના પ્રત્યેક અરજદારને હજ કરવાની તક મળે છે જ્યારે કેરળમાં નથી મળી શકતી. કમિટી તરફથી રજૂઆતો કરતા વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે એના માટે સમગ્ર ભારતમાં ડ્રોની એક જ પદ્ધતિ હોવી જોઈએ જેથી બધાને સમાન તક મળે. કેરળ હજ કમિટીએ આક્ષેપો મૂક્યા કે હાલની પ્રથા ભેદભાવભરી છે.
એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કેન્દ્ર વતી રજૂઆત કરતા જણાવ્યું કે હાલની ક્વોટા સિસ્ટમ જ યોગ્ય છે. આ પ્રકારની સિસ્ટમ દેશના તમામ રાજ્યોની સંમતિ પછી નિર્ધારિત કરાઈ છે. જેથી એમાં ફેરફાર નહિ કરી શકાય.