(એજન્સી) નવી દિલ્હી, તા.૮
રાજ્યભરમાં મોટી સંખ્યામાં દારૂની દુકાનોમાં ભીડ સર્જાતા કોરોના વાયરસ ફેલાવાની આશંકા સેવાઈ રહી છે, તેમ છતાંય સુપ્રીમ કોર્ટે લોકડાઉનની મધ્યમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો. સુપ્રીમ કોર્ટ શુક્રવારે એક એવી જાહેર હિત અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. કારણ કે, દારૂની દુકાનોમાં ભીડ વધુ થતી હોવાથી કોરોના વાયરસનું મોટા પ્રમાણમાં ફેલાવાનું જોખમ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, રાજ્ય સરકારોએ ભીડની સમસ્યાને પહોંચી વળવા ઓનલાઇન વેચાણ અથવા દારૂની હોમ ડિલિવરી પર વિચાર કરવો જોઇએ. જો કે, સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, તે દારૂના વેચાણના મુદ્દામાં દખલ કરશે નહીં કારણ કે, તે નીતિગત મામલો છે. અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ જે સાંઇ દિપકે કહ્યું હતું કે, “સામાજિક અંતર જાળવવામાં આવી રહ્યું નથી. દારૂની દુકાનની સંખ્યા ઘણી ઓછી છે અને લેનાર લોકોની સંખ્યા ખૂબ મોટી છે.” બેંચે કહ્યું હતું કે, “અમે કોઈ હુકમ પસાર કરીશું નહીં, પરંતુ રાજ્યોએ સામાજિક અંતર જાળવવા માટે દારૂના ઓનલાઈન વેચાણ બાબત વિચારવું જોઇએ.” ત્રીજા તબક્કાની સાથે ૪ મેના રોજ લોકડાઉન હળવું થયા પછી દેશભરમાં દારૂની દુકાનો કન્ટેનમેન્ટ ઝોન સિવાય ખોલવામાં આવી હતી. પહેલાં દિવસે દિલ્હીમાં દારૂની દુકાનોમાં લાંબી કતારો અને ભીડ જોવા મળી હતી, જેનાથી સ્થાનિકો અને અધિકારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. બીજા દિવસે, દિલ્હી સરકારે દારૂ પર ૭૦% વધારાનો ટેક્સ લગાડ્યો, તેમ છતાં, દરરોજ દારૂની દુકાનોની બહાર ભીડ એકઠા થતી રહે છે. કોરોના વાયરસના ફેલાવાને લઇને અનેક ચિંતાઓ સાથે દારૂની દુકાનો પર ભીડ વધુ એક ચિંતાનું કારણ બની ગઈ છે.