(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે, તેઓ પાંચમી ઓક્ટોબરે ધરપકડ કરાયેલ પત્રકાર સિદ્દીક કપ્પનની અરજી માન્ય રાખશે જેમાં એમણે પોતાની બીમાર માતા સાથે જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરવા માગણી કરી છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમોએ વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરવા માટે પરવાનગી માંગતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે એ પછી સુપ્રીમ કોર્ટની સીજેઆઈ એસ.એ. બોબડેની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે, તેઓ કપ્પનની અરજી માન્ય રાખશે. કપ્પન તરફે હાજર રહેનાર કપિલ સિબ્બલે કહ્યું હતું કે, કપ્પનની માતા પુત્ર સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરવા માંગે છે. એમણે કહ્યું કે, કપ્પનની માતા મોટાભાગે બેભાનાવસ્થામાં હોય છે અને જ્યારે ભાનમાં આવે ત્યારે કપ્પન સાથે વાતચીત કરવા ઈચ્છે છે. સિબ્બલે કોર્ટને વિનંતી કરી કે, જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી એમને પુત્ર સાથે વાતચીત કરવા મંજૂરી આપો. અમે અરજી દાખલ કરી છે પણ જેલના નિયમો આ માટે પરવાનગી નથી આપતા પણ તમે વિશેષ રીતે આદેશ કરો. બેન્ચે કહ્યું કે, અમે આ વિનંતીને માન્ય રાખીશું. યુપી સરકાર તરફે હાજર રહેલ વકીલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, અમે આ બાબત કોર્ટ ઉપર છોડીએ છીએ. કોર્ટે મહેતાની વિનંતીથી સુનાવણી એક અઠવાડિયા માટે મોકૂફ રાખી હતી. સુપ્રીમ કોર્ટ કેરલા યુનિયન ઓફ વર્કિંગ જર્નાલિસ્ટ દ્વારા દાખલ કરાયેલ અરજીની સુનાવણી કરી રહી હતી જેમાં એમણે કપ્પનની મુક્તિ માટે માગણી કરી હતી. કપ્પન પોતાના ત્રણ સાથીઓ સાથે ઉત્તરપ્રદેશના હાથરસમાં જઈ રહ્યા હતા જ્યાં એક દલિત યુવતી ઉપર ગેંગરેપ કરી હત્યા કરાઈ હતી. કપ્પન પીડિતાના ઘરે એમના પરિવાર સાથે મળવા જઈ રહ્યા હતા. દરમિયાનમાં યુપી પોલીસે મથુરામાંથી એમની ધપકડ કરી હતી.