(એજન્સી) તા.૨૨
૨૩ મી જુન થી શરૂ થનાર ઐતિહાસિક ભગવાન જગન્નાથ પૂરી યાત્રાને લઇ સુપ્રીમ કોર્ટે આ વર્ષે પણ રથયાત્રા કાઢવા શરતી મંજુરી આપી છે. આદેશમાં કહ્યું છે કે, અમુક શરતો સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારો આ રથયાત્રામાં કોવિડ-૧૯ની ગાઈડલાઈન્સને આધીન રથયાત્રાનું આયોજન કરશે. કોર્ટે એ પણ કહ્યું કે અમે સ્થિતિને રાજ્ય સરકાર ઉપર છોડીએ છીએ. જો રથયાત્રા દરમિયાન સ્થિતિ કાબુ બહાર જતી દેખાય તો સરકાર આના ઉપર પ્રતિબંધ મુકી શકે છે.
કોર્ટે એ પણ કહ્યું કે કોલેરા અને પ્લેગ જેવી મહામારીઓ દરમિયાન પણ રથયાત્રા સીમિત નિયમો અને શ્રદ્ધાળુઓ વચ્ચે નીકળી હતી. મામલાની સુનાવણી સી.જે.આઈ. એસ.એ બોબડે ની આગેવાની હેઠળ ની ત્રણ જજોની બેન્ચે કરી હતી. એમણે કહ્યું કે આ મામલામાં કોર્ટ લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ સમજુતી નહીં કરી શકે. નોંધનીય છે કે ૧૮મી જૂને થયેલ સુનાવણી દરમિયાન કોર્ટે આદેશ આપ્યું હતું અને કહ્યું હતું કે લોકોના સ્વાસ્થ્ય અને નાગરિકોની સુરક્ષાના હિતમાં પૂરીમાં આ વર્ષે રથયાત્રાની મંજુરી નહિ આપી શકાય અને જો અમે પરવાનગી આપીએ તો ભગવાન જગન્નાથ અમને ક્યારેય માફ નહીં કરશે. ૨૩ જુનથી શરૂ થનાર યાત્રા આ પછી ૧લી જુલાઈએ ‘બહુદા જાત્રા’ (રથયાત્રાની વાપસી) શરૂ થશે. આદેશના એક દિવસ પછી અમુક લોકોએ કોર્ટ માં અરજી દાખલ કરી આદેશ ને રદ્દ કરવા અને સુધારા કરવા વિંનતી કરી હતી.
કેન્દ્ર તરફે હાજર રહેનાર વકીલ તુષાર મહેતાએ કહ્યું કે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ સમજુતી કરવામાં નહીં આવે અને સુરક્ષાનું ધ્યાન રાખી મંદિર ટ્રસ્ટના સહયોગથી રથયાત્રાનું સંચાલન કરી શકાય છે. એસ.જી એ કહ્યું કે જગત ગુરૂ શંકરાચાર્ય, પૂરીના ગજપતિ અને જગન્નાથ મંદિર સમિતિની સલાહથી યાત્રાની મજૂરી આપી શકાય છે. કેન્દ્ર સરકાર પણ એ જ ઈચ્છે છે કે ઓછામાં ઓછા અનિવાર્ય લોકો સાથે યાત્રાને યોજવું જોઈએ. સી.જે આઈ. એ પ્રશ્ન કર્યું કે આમાં શંકરાચાર્યને કેમ સામેલ કરવામાં આવી રહ્યું છે ? પહેલાથી ટ્રસ્ટ અને મંદિર કમેટી જ આયોજિત કરતી હતી તો શંકરાચાર્યને સરકાર કેમ સામેલ કરી રહી છે ? આની સામે મહેતાએ કહ્યું કે કેન્દ્ર એમની સાથે સલાહ કરવા કહે છે કારણ કે તેઓ ઓડીશા માટે ધાર્મિક સર્વોચ્ય ગુરુ છે. વકીલ હરીશ સાલ્વે એ સુનાવણી દરમિયાન કહ્યું કે કરફ્યું લગાવવામાં આવશે. રથ ને સેવા ધારીઓ અથવા પોલીસ કર્મચારીઓ ખેંચશે જેઓ કોવિડ નેગેટીવ હોય.
ઓડીશા વિકાસ પરિષદ તરફે રજૂઆત કરતા વકીલ રણજીત કુમારે કહ્યું કે ફક્ત રથયાત્રા માટે જવાબદાર વ્યક્તિઓને જ પરવાનગી આપવી જોઈએ. જો મંદિરના બધા લોકોને મંજુરી આપવામાં આવશે તો સંખ્યા ઘણી વધી જશે. એમણે કહ્યું કે અરજદાર તરફે ૨૫૦૦ પંડાઓ મંદિર વ્યવસ્થા સાથે જોડાયેલ છે. બધાને સામેલ કરવાથી મુશ્કેલી અને અવ્યવસ્થા વધશે. યાત્રા ૧૦-૧૨ દિવસોની હોય છે અને એ દરમિયાન જો કોઈ મુશ્કેલી થાય તો વૈકલ્પિક વ્યવસ્થા અનિવાર્ય છે. સી.જે. આઈ. એ કહ્યું કે અમને ખબર છે. આ બધી જવાબદારી રાજ્ય સરકારની છે. કેન્દ્રની ગાઈડલાઈન્સનું પાલન કરતા લોકોના સ્વાસ્થ્યના હિત મુજબ વ્યવસ્થા થવી જોઈએ. તુષાર મહેતાએ કહ્યું ગાઈડલાઈન્સ મુજબ વ્યવસ્થા થશે. આની સામે સી.જે.આઈ.એ કહ્યું કે તમે કઈ ગાઈડલાઈન્સની વાત કરી રહ્યા છો. મહેતાએ કહ્યું કે લોકોના સ્વાસ્થ્યને લઇ બહાર પડાયેલ ગાઈડલાઈન્સ વિશે કહી રહ્યો છું. એક ભક્ત સંગઠન તરફે વકીલ કે. વી. વિશ્વ નાથને કહ્યું, જો આનું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવે તો અમે ટી.વી. પર જોઈશું. જો સેવાધારીઓ આ કાર્ય કરે છે તો બંધારણના અનુચ્છેદ ૨૫ અને ૨૬નું ખરી રીતે પાલન થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું અમે રથયાત્રાની વિસ્તૃત ચર્ચા નથી કરી રહ્યા. અમે બધી વાતો રાજ્ય સરકારના વિવેક ઉપર છોડીએ છીએ. અમે કોઈ વિગતવાર આદેશ પસાર નથી કરી રહ્યા અને એને ઝીણવટભરી રીતે વ્યવસ્થિત કરવા જઈ નથી રહ્યા.