(એજન્સી) તા.૮
લોકસભા ચૂંટણી વિશે વિપક્ષી પાર્ટીઓની અરજીપર સુપ્રીમ કોર્ટે સોમવારે એક મહત્વનો નિર્ણય લેતા ચૂંટણીપંચને આદેશ કર્યો હતો કે, દરેક વિધાનસભા ક્ષેત્રમાંથી એકના બદલે પાંચ બૂથ પર EVM અને VVPAT ચબરખીઓને સરખાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે ર૧ વિપક્ષી પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે, પ૦ ટકા EVM પરિણામોની VVPAT ચબરખીઓ સાથે સરખામણી કરવામાં આવે લોકસભા ચૂંટણી સંદર્ભે આ નિર્ણય ખૂબ જ મહત્વ ધરાવે છે. અત્યાર સુધી ચૂંટણીપંચ ૪૧રપ EVM અને VVPATની સરખામણી કરતું હતું. હવે સુપ્રીમ કોર્ટના આદેશ પછી ર૦,૬રપ EVM અને VVPATની સરખામણી કરવી પડશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને નિર્દેશ આપ્યો હતો કે, આગામી લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પ્રક્રિયા પ્રતિ મતદારોના વિશ્વાસ માટે મતગણતરી દરમ્યાન એક મતદાન કેન્દ્રમાં થતી VVPAT ચબરખીઓની સરખામણીના બદલે પાંચ મતદાન કેન્દ્રોમાં VVPAT ચબરખીઓની સરખામણી કરવી જોઈએ. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચે ઓછામાં ઓછા પ૦ ટકા EVM પરિણામોની VVPAT ચબરખીઓ સાથે સરખામણીની ર૧ વિપક્ષી પાર્ટીઓની માંગણીનો અસ્વીકાર કર્યો હતો. ર૧ વિપક્ષી પાર્ટીઓની અરજી પર સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ અરજી પર સુનાવણી મોકુફ રાખી શકતા નથી કારણ કે, ૧૧ એપ્રિલથી લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચન્દ્રબાબુ નાયડુના નેતૃત્વમાં ર૧ વિપક્ષી પાર્ટીઓએ ઓછામાં ઓછા પ૦ ટકા EVM પરિણાઓમી VVPAT ચબરખીઓ સાથે સરખામણી કરવાની માંગ કરી હતી.