(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેની સરકારને બરતરફ કરી રાષ્ટ્રપતિ શાસન લગાવવા માંગણી કરતી અરજી રદ્દ કરી હતી. અરજદારે રાજ્યમાં સરકારી મશીનરીનો દુરૂપયોગ અને સરકારને પસંદ નહિ પડતા લોકો પર નિશાન તાકવાના આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેએ અરજદારને કહ્યું કે તમારે અમારી પાસે નહિ પણ આ માંગણી રાષ્ટ્રપતિ પાસે કરવી જોઈએ. અરજદાર વિક્રમ ગહેલોતે રાજ્યમાં સરકારી મશીનરીનો દુરુપયોગ કરી સરકારને પસંદ નહિ આવતા લોકોને નિશાન બનાવવાના આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. અરજીમાં નિવૃત્ત નેવી અધિકારી મદનલાલ શર્મા ઉપર કરાયેલ હુમલો અને અભિનેત્રી કંગનાની ઓફિસમાં તોડફોડ જેવી ઘટનાઓનો હવાલો આપ્યો હતો. અરજીમાં માંગણી કરાઈ હતી કે જો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં નહિ આવે તો ઓછામાં ઓછું મુંબઈ અને એની આજુબાજુના કાયદો વ્યવસ્થાની જવાબદારી થોડા દિવસો માટે સેનાને સોંપવી જોઈએ.