(એજન્સી) નવી દિલ્હી, તા.૬
૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યામાં દોષિત એ.જી. પેરારીવેલનની દયાની અરજી અંગે વિચારણા કરવા સુપ્રીમ કોર્ટે તામિલનાડુના રાજ્યપાલને જણાવ્યું છે. જેની બે વર્ષથી દયાની અરજી રાજ્યપાલ સમક્ષ પડતર છે. તામિલનાડુ સરકાર દ્વારા દોષિતોને મુક્ત કરવા અંગેની દરખાસ્તની કેન્દ્રની અરજી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ નવીન સિંહા તેમજ કે.એમ. જોસેફની ખંડપીઠે રદ કરી હતી. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને કહ્યું કે, રાજીવ ગાંધી હત્યા કેસના સાત દોષિતોને આ વર્ષે ર૦૧૬માં તામિલનાડુ સરકારે છોડવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્ય સરકારની દયા અરજી રદ કરી હતી. જેમાં ૭ આરોપીઓને મુક્ત કરવા ભલામણ કરાઈ હતી. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં દોષિતોને છોડવાનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે રાજ્યપાલને સ્વ.રાજીવ ગાંધી હત્યા કેસના દોષિત પેરારીવેલનની દયાની અરજી અંગે વિચારણા કરવા જણાવ્યું છે. રાજીવ ગાંધીની ર૧ મે ૧૯૯૧માં શ્રીપેરામ્બુરમાં હત્યા કરાઈ હતી. આત્મઘાતી હુમલાખોરની ઓળખ ધનુ નામની મહિલા તરીકે થઈ હતી. ધડાકામાં હાઈપ્રોફાઈલ વૈશ્વિક નેતાનું મોત થયાની પહેલી ઘટના હતી.