(એજન્સી)નવી દિલ્હી, તા. ૭
સુપ્રીમ કોર્ટે સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૪ સપ્તાહની અંદર એક વિગતવાર સોગંદનામું દાખલ કરવા સુચના આપી છે કે જેથી કોવિડ-૧૯ રોગચાળા વચ્ચે એકલા રહેતા વડીલોની યોગ્ય કાળજી લેવામાં આવે. ન્યાયાધીશ અશોક ભૂષણ અને ન્યાયાધીશ આર સુભાષ રેડ્ડીની ખંડપીઠને વરિષ્ઠ એડવોકેટ ડૉ.અશ્વની કુમારે માહિતગાર કર્યા હતા કે ચોથી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના નિર્દેશના સંદર્ભમાં રાજ્યોએ તેમના સોગંદનામા દાખલ કર્યા છે, પરંતુ તેમાં કોઈ વિગતવાર અહેવાલ નથી. તેમણે કહ્યું કે ઓરિસ્સા અને પંજાબ રાજ્યો સિવાય રેકોર્ડ પરના એફિડેવિટોમાં વિગતોનો અભાવ છે. કુમારે કહ્યું, “રાજ્યોએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. મોટાભાગનાં રાજ્યોમાં ફક્ત પરિપત્રો છે. પરિપત્રો અને કાગળની કાર્યવાહી તે જરૂરી નથી, તે કેવી રીતે અમલમાં આવે છે એ જરૂરી છે.” આના પ્રકાશમાં, ખંડપીઠે એ પણ નિર્દેશ આપ્યો છે કે જે રાજ્યોએ પહેલાથી સોગંદનામું દાખલ કર્યું છે તે વધારાના સોગંદનામું દાખલ કરી શકે છે. કુમારે ત્રણ અખબારી અહેવાલો ટાંકીને જમીની પરિસ્થિતિ તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે પરિસ્થિતિ ખરેખર “દયનીય” છે. ન્યાયાધીશ ભૂષણે આ મુદ્દે ટિપ્પણી કરી હતી કે આર્ટિકલ ૩૨ હેઠળ વ્યક્તિગત કેસો લઈ શકાતા નથી અને તેમની સંભાળ રાજ્યને લેવાની છે. અગાઉની સુનાવણીમાં, અદાલતે જરૂરી માલ અને સેવાઓની ઉપલબ્ધતાની ખાતરી કરીને એકલા રહેતા વડીલોની સંભાળ રાખવા અને તેમની સુરક્ષા કરવાની સરકારની જવાબદારીને માન્યતા આપી હતી. આ માટે કોર્ટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયને નિર્દેશ આપ્યો કે વૃદ્ધાવસ્થા પેન્શન નિયમિત અને સમયસર ચૂકવવામાં આવે તેની ખાતરી કરે. આ ઉપરાંત, તમામ રાજ્યોને વરિષ્ઠ નાગરિકો દ્વારા કરાયેલ વિનંતીઓ પર ત્વરિત પ્રતિક્રિયા આપવા પણ નિર્દેશો આપ્યા હતા. ખાસ કરીને કોવિડ-૧૯ના આ સમય દરમ્યાન એકલા રહેતા વૃદ્ધો તરફ ધ્યાન આપવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વૃદ્ધાશ્રમોમાં જરૂરી સાવચેતી ઉપકરણો પૂરા પાડવામાં આવે તે સુનિશ્ચિત કરવા પણ કહ્યું હતું. ન્યાયાધીશ ભૂષણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમામ સંભાળ લેનારાઓએ વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (પી.પી.ઇ.) કિટ પહેરવી જોઈએ અને કોવિડ-૧૯ સંબંધિત લેવાયેલી સ્વચ્છતા અને સાવચેતી અંગેના સલામતીના ધોરણોનું પાલન કરવું જોઈએ. બેન્ચ ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદા પ્રધાન અને વરિષ્ઠ એડવોકેટ અશ્વની કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં એકલા રહેતા વરિષ્ઠ નાગરિકોની ચિંતાઓ રજૂ કરવામાં આવી હતી અને વૃદ્ધોના હક્કોની રક્ષા કરવા માંગણી કરી હતી. ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદા પ્રધાન અને વરિષ્ઠ વકીલ ડૉ અશ્વની કુમારે સુપ્રીમ કોર્ટ સમક્ષ જણાવ્યું છે કે વૃદ્ધોના હક અને ગૌરવને સુરક્ષિત કરવાના હેતુથી ઘડવામાં આવેલી સરકારની નીતિઓ અને કાયદાઓ પર્યાપ્ત રીતે લાગુ કરવામાં આવી રહ્યા નથી. આ અરજી ડૉ. કુમારની ૨૦૧૮ની અરજી સાથે સંબંધિત છે જેણે વરિષ્ઠ નાગરિકો માટેના માસિક પેન્શનમાં વધારો કરવા કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરી હતી. હવે રોગચાળાને કારણે વૃદ્ધોની સંભાળ માટે તાકીદનો મુદ્દો લેવામાં આવ્યો છે.