(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૬
દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને છેલ્લાં બે મહિનાથી પણ વધુ સમયથી ચાલતાં ધરણાં પ્રદર્શનોને લઈને બુધવારે ફરી એક વખત સુનાવણી થઈ, પરંતુ કોઈ પરિણામ ન આવ્યું. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાલ આ મામલે દરમિયાનગિરિ નહી કરીએ. જો કે કોર્ટે ફરી એક વખત કહ્યું કે સાર્વજનિક જગ્યાઓ પર પ્રદર્શન કરવાનું યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે આ અંગે વધુ સુનાવણી હોળી પછી ૨૩ માર્ચે હાથ ધરાશે તેમ જણાવ્યું.
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દિલ્હી હાઈકોર્ટે હિંસા મામલે જોડાયેલી અરજીઓ પર સુનાવણી કરી છે. ત્યારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટે હિંસા સાથે જોડાયેલી અરજી પર વિચાર કરીને શાહીન બાગ પ્રદર્શનો સંબંધે દાખલ કરેલી અરજીઓને નહીં જોડે. કોર્ટે દિલ્હીમાં થયેલી હિંસાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને આ અરજીઓ પરની સુનાવણીનો ઈન્કાર કરી દીધો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે શાહીન બાગનો રસ્તો ખોલાવવા માટે નિમણૂંક કરાયેલા મધ્યસ્થીઓએ તેમના તરફથી પૂરતાં પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમને સફળતા ન મળી. સુપ્રીમ કોર્ટે શાહીન બાગ મુદ્દે કહ્યું કે હાલ અમારી પાસે એક જ મામલો છે અને તે છે શાહીન બાગમાં રસ્તો ખોલવાનો. આ મુદ્દે અમે વાર્તાકારોને મોકલ્યાં હતા જેઓએ અમને રિપોર્ટ સોંપી દીધા છે.
દિલ્હી હિંસા મુદ્દે સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે જો ઉશ્કેરણી કરનારા લોકોને પોલીસે છાવર્યાં ન હોત તો આ પ્રકારની હિંસા ન ભડકત. જસ્ટિસ જોસેફે અમેરિકા અને બ્રિટન પોલીસનું ઉદાહરણ આપતાં કહ્યું કે જો કંઈક ખોટું થયું હોત તો પોલીસે કાયદા મુજબ પ્રોફેશનલ તરીકે કામ કરવાનું હોય છે. જસ્ટિસ જોસેફે પોલીસની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતાં કહ્યું દિલ્હી પોલીસે પ્રોફેશનલ વલણ અપનાવ્યું ન હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રતિકુળ સંદર્ભમાં કોઈ ટિપ્પણીઓ નથી કરવામાં આવી પરંતુ કાયદા વ્યવસ્થા બની રહે તે વાતને સુનિશ્ચિત કરવામાં આવી છે.