(એજન્સી) તા.ર૯
સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ વિરૂદ્ધ કોંગ્રેસે દાખલ કરેલી આચારસંહિતાના ભંગની અરજી પર સુનાવણી કરવાની તૈયારી દર્શાવી છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નેતૃત્વવાળી ખંડપીઠ મંગળવારે આ અરજી પર સુનાવણી કરશે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી આક્ષેપ કર્યો હતો કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા કરવામાં આવતા આચારસંહિતાના કથિત ભંગ સામે ચૂંટણીપંચ નિષ્ક્રિય છે. કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવે સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરી તેના પર તાત્કાલિક સુનાવણી કરવાની માગણી કરી હતી. આ અરજીમાં સુષ્મિતા દેવે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ મતદારોનું ધ્રુવીકરણ કરવા માટે તેમની જાહેરસભાઓમાં ઉશ્કેરણીજનક ભાષણો આપે છે અને ચૂંટણીપંચની મનાઈ હોવા છતાં રાજકીય પ્રચારમાં સુરક્ષા દળોનો ઉલ્લેખ કરે છે.