(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.ર૬
સુમુલ ડેરીની ચૂંટણી નજીક આવતા જ રાજકીય માહોલ ગરમાયો છે. છેલ્લા પાંચ-છ વર્ષથી સુમુલમાં ભાજપનું વર્ચસ્વ છે. પૂર્વ ચેરમેન માનસિંહ પટેલે વર્તમાન ચેરમેન રાજુ પાઠક સામે આક્ષેપ કરી કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનું જણાવી રહ્યા છે. ૧૦૦૦ કરોડની લોન, મધમાખી ઉછેર, ડિવાઇન ગીર ગાય સંવર્ધન પ્રોજેક્ટ, સરગવા સિંગ, દાણ પ્રોજેક્ટ, બેકરી પ્રોડક્ટ સહિતના પ્રોજેક્ટમાં કરોડોનું રોકાણ કરી ખોટ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે વર્તમાન ચેરમેન રાજુ પાઠકે પૂર્વ ચેરમેને પોતાના કાર્યકાળમાં ખાંડ અને ભંગાર વેચાણમાં થયેલા કૌભાંડ મુદ્દે અવાજ ઊઠાવ્યો છે. સુમુલ ડેરીના વહીવટ અને જિલ્લા સહકારી રજિસ્ટ્રાર સામે થયેલા આક્ષેપ મુદ્દે સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી છે. જેમાં પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, મંત્રી ગણપત વસાવા, સાંસદ પરભુ વસાવા, સુરત જિલ્લા પ્રભારી સીઆર પાટીલ, સુમુલના ચેરમેન રાજુ પાઠક, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ હાજર રહ્યા છે. બીજી બાજુ૨૦૧૪-૧૫માં માનસિંહ પટેલ અને ત્યારબાદ રાજુ પાઠકે ૭૦ વર્ષ જૂની સુરતની સુમુલ ડેરીનો વહીવટ સંભાળ્યો હતો. સુમુલ ડેરીની હાલમાં ૧૦૨૦ મંડળી અને ૨.૬૦ લાખ સભાસદો છે. સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સુમુલ ડેરીના વહીવટ મુદ્દે ભાજપના ગઇકાલના અને આજના નેતાઓ વચ્ચે ખેંચતાણ શરૂ થઇ છે. સુમુલ ડેરીની ચૂંટણી પહેલા જ ભાજપના નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ ઊભો થતાં રાજકારણ ગરમાયું છે. દરમિયાન જિલ્લા કોંગ્રેસે સુમુલ ડેરીના કરોડોના ભ્રષ્ટાચાર સામે સીટની રચના કરી તપાસ કરાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. સુમુલ ડેરીના ૨.૬૦ લાખ પશુપાલકોના હિતને ધ્યાને લઇ તટસ્થ તપાસ કરાવવા કોંગ્રેસે માંગણી કરી છે. આ સાથે જ સુમુલના વહીવટમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યા છતાં જિલ્લા સહકારી રજિસ્ટ્રાર આંખ આડા કાન કરી રહ્યા હોવાથી તેમની સામે પણ પગલાં ભરવા કોંગ્રેસે રજૂઆત કરી છે.