(એજન્સી) શ્રીનગર, તા. ૨
કદાચ પહેલી વાર, કાશ્મીરી પંડિતો અને મુસ્લિમોએ એકજૂટ થઈને કાશ્મીર ખીણમાં થોડા દિવસો પહેલા સુરક્ષા દળો દ્વારા આચરવામાં આવેલા જૂલમની વિરૂદ્ધમાં પ્રદર્શન કર્યું છે. શ્રીનગરના પ્રતાપ પાર્ક વિસ્તારમાં ગુરુવારે કાશ્મીર મુસ્લિમો અને પંડિતોનું એક જૂથ એક થઈને દેખાવ કર્યો તેમના હાથમાં પજવણીનું બીજું નામ સીએએસઓ, પંડિત, મુસ્લિમ અને શીખોની હેરાનગતિ, અમે એક છીએ જેવા નારા લખેલા બેનરો હતા. તલાશી અભિયાન દરમિયાન લશ્કરી કર્મીઓને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાની તથા તેમના જાનમાલને નુકશાન પહોંચાડવાની ખુલ્લી છૂટ આપવા બદલ દેખાવકારોએ સરકારની આકરી ટીકા કરી. પ્રદર્શનકારીઓએ કહ્યું કે કાશ્મીરના લોકોની અવિરત પજવણીની વિરૂદ્ધમાં અવાજ ઉઠાવવા અમે એક થયાં છીએ. અમે એક છીએ અને સરકારને સંદેશ આપવા માંગીએ છીએ કે સરકારે કાશ્મીર ખીણ વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન લોકોના જાનમાલને નુકસાન પહોંચાડવાનું અને લોકોની પજવણી કરવાનું બંધ કરવું જોઈએ. કાશ્મીરી પંડિત અમિતે કહ્યું કે ૧૯૯૦ ની સાલથી લઘુમતી સમૂદાયે ખૂબ વેઠ્યું છે. દાયકાઓથી અમે માનવ કરૂણાંતિકાનો ભોગ બનતાં આવ્યાં છે. બીજા એક પ્રદર્શનકારીએ કહ્યું કે જ્યારે કાશ્મીરમાં કોઈ યુવાનની હત્યા થાય છે ત્યારે હું આખી રાત ઊંઘી શકતો નથી.મને મારા ભાઈની પીડા થાય છે. અમે આવા જુલમ સામે અવાજ ઉઠાવીશું. અમે પહેલા કાશ્મીરી છીએ. અમે એક છીએ અને સરકારને કહેવા માંગીએ છીએ કે ગુનેગારોની સામે પગલાં ભરો. રિપોર્ટ અનુસાર સીઆરપીએફ છાવણી નજીક ગોળીબાર બાદ ૨૬-૨૭ માર્ચેે રહીશોએ એવો આક્ષેપ કર્યો કે સરકારી દળોએ અમારી મારઝૂડ કરી હતી. તેમણે કહ્યું કે સૈનિકોએ પંડિત પરિવારની પણ મારઝૂડ કરી. બીજા દિવસે લોકોએ સરકારી દળોની સામે પ્રદર્શન કર્યું. વિરોધ પ્રદર્શન બાદ ડેપ્યુટી કમિશનર પુલવામા જીએમ દારે આ વિસ્તારની મુલાકાત લઈને ૧૦ દિવસની અંદર એફઆઈઆર દાખલ કરીને તપાસ પૂરી કરવાનો આદેશ આપ્યો. પુલવામા પોલીસે ઈન્ડીયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો.