(એજન્સી) નવી દિલ્હી, તા.૩
કેન્દ્રીય સુરક્ષા મંત્રી રાજનાથસિંહે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે મોટી સંખ્યામાં ચીનના દળો ભારતમાં પ્રવેશ્યા હતા. ચીન સાથેની તંગદિલી વચ્ચે રાજનાથે આ કબૂલાત કરી હતી. એક ખાનગી સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં રાજનાથે ઉકત ખુલાસો કર્યો હતો. ચીન સાથેની સરહદીય તંગદિલી અંગે ભારતીયોને માહિતગાર કરવા પ્રશ્ન પૂછાતાં સિંહે જણાવ્યું હતું કે, એ વાત સાચી છે કે, સરહદે ચીનનો દાવો છે, ભારતે દાવો કર્યો છે કે, અમારી સરહદ અહીં સુધી છે જે અંગે મતભેદો સર્જાયા છે અને સારી એવી સંખ્યામાં ચીનના લોકો પણ આવી ગયા છે પણ ભારતે પણ પોતાની તરફથી જે કંઈ કરવું જોઈએ તે ભારતે કર્યું છે. લદ્દાખમાં ચીને મોટા પ્રમાણમાં ભારતીય જમીન પર કબજો કર્યાના મીડિયાના અહેવાલના દિવસો બાદ રાજનાથે આ ચોંકાવનારી કબૂલાત કરી હતી. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ચીનની સેનાએ કેટલાક ભારતીય સૈનિકોની પણ ધરપકડ કરી છે. જો કે, ભારતીય સેનાએ આ દાવાને નકારી કાઢયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સેનાના પૂર્વ અધિકારી અને સુરક્ષા નિષ્ણાંત અજય શુકલાએ સરકારને અનેક અહેવાલો રજૂ કરી દાવો કર્યો હતો કે, ચીનના દળો ભારતમાં પ્રવેશી ચૂકયા છે. સિંહની કબૂલાત અંગે શુકલાએ ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે, રાજનાથસિંહ હું ખૂબ આભારી છું. એનડીએ મંત્રીમંડળમાં કેટલાક ઉચિત લોકો સામેલ છે. જેઓ જાહેરમાં સ્વીકારે છે જે અંગે હું છેલ્લા દસ દિવસથી લખી રહ્યો છું. એક ચિંતિત દેશના પ્રયાસો માટે આ પ્રમાણિકતા ખૂબ જરૂરી છે.

સરહદ પર તંગદિલી મુદ્દે શનિવારે ભારત-ચીનના ઉચ્ચ સૈનિક અધિકારીઓની બેઠક યોજાશે

(એજન્સી) નવી દિલ્હી, તા.૩
આગામી શનિવારે લદ્દાખ મુદ્દે ભારત-ચીન વચ્ચે સૈનિક સ્તરની મંત્રણા યોજાશે. પૂર્વ લદ્દાખ નજીક જમીન મુદ્દે હાલ ભારત-ચીન વચ્ચે તંગદિલી પ્રવર્તી રહી છે તે દરમિયાન આ મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે. ભારત દ્વારા આ વાતચીતનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેના પગલે આગામી છ જૂનના રોજ ભારતીય સરહદ કેન્દ્ર ચુશ્લુ-મોલ્ડોમાં આ બેઠક યોજાશે. ભારત તરફથી આ બેઠકનું નેતૃત્વ ૧૪માં દળના લેફ.જનરલ હરિન્દરસિંહ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ શનિવારે યોજાનારી બેઠક અગાઉ આ મામલે હકારાત્મક સંકેતો મળ્યા છે. અત્યાર સુધી ક્ષેત્રિય સૈનિક દળ દ્વારા અનેક બેઠકો યોજાઈ હતી પણ વાતચીતમાં કોઈ પ્રગતિ થઈ ન હતી.