(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તમામ તૈયારીઓ આજે પરિપૂર્ણ કરી લેવામા આવી છે. આવતીકાલે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા અને ત્રાસવાદી હુમલાની દહેશત વચ્ચે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. મુખ્ય ઉજવણીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, વડાપ્રધાન નરેન્દર મોદી તથા તેમના કેબીનેટના પ્રધાનો રહેશે. આ વર્ષે નવો ઇતિહાસ રચાનાર છે. કારણ કે ચીફ ગેસ્ટ તરીકે ૧૦ આસિયાન દેશોના વડા ઉપસ્થિત રહેનાર છે .ગયા વર્ષે અબુ ધાબીના યુવરાજ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન મુખ્યમહેમાન બની રહ્યા છે. આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં બ્રમ્હોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ,જમીનથી આકાશમાં પ્રહાર કર શકે તેવી આકાશ મિસાઇલ રજૂ કરવામાં આવનાર છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત નારી શક્તિ દર્શાવવામાં આવનાર છે. જેના ાગરૂપે બીએસએફની મહિલા ટીમ પણ નજરે પડનાર છે. આ ટીમ મોટરસાયકલ પર દિલધડક પરાક્રમ દર્શાવનાર છે. મિસાઇલની સાથે સાથે અન્ય ઘાતક શસ્ત્ર પ્રણાલી પણ પ્રજાસત્તાક દિવસની પરેડમાં રજૂ કરવામાં આવનાર છે. ત્રાસવાદી સંગઠનની હુમલાની દહેશત વચ્ચે પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને દિલ્હી એરપોર્ટ, મેટ્રો સ્ટેશનો, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન તથા ધાર્મિક સ્થળો ખાતે ખાસ સુરક્ષા રાખવામાં આવી છે. ઉત્તરપૂર્વમાં અનેક બળવાખોર સંગઠન સક્રિય છે. જેથી અહીં પણ વિશેષ સુરક્ષા રાખવામાં આવી છે. આસામ અને મણિપુરમાં ખાસ સુરક્ષા રાખવામાં આવી છે. તમામ રાજ્યોમાં પોલીસ પેટ્રોલિંગ અને અન્ય પ્રકારની ચકાસણી મજબુત બનાવી દેવામાં આવી છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી, જમ્મુ-કાશ્મીર સહિત દેશના તમામ રાજ્યોમાં ઉજવણીને લઇને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. હવાઇ સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં વિમાની સેવા થોડા સમય માટે બંધ રાખવામાં આવશે. ગગનચુંબી ઇમારતોમાં પણ કમાન્ડો તૈનાત કરાયા છે. સૈકડો ક્લોઝ સર્કિટ કેમેરા રાજપથ અને લાલ કિલ્લા વચ્ચે પરેડના સ્થળો પર ગતિવિધિ પર નજર રાખવા ગોઠવી દેવામાં આવ્યા ંછે. મોબાઇલ ટીમો, વિમાનને ફુંકી મારવામાં સક્ષમ મિસાઇલો, તોપ, કમાન્ડો જુદી જુદી જગ્યાઓએ તૈનાત કરવામાં આવ્યાં છે. દિલ્હી પોલીસના કમાન્ડો રાયસીના હિલ્સથી લાલ કિલ્લા સુધીના પ્રજાસત્તાક દિવસની પરેડના આઠ કિલોમીટર માર્ગ ઉપર ફરજ બજાવશે.