જામનગર, તા.૨૫
ઓખામંડળના સુરજકરાડીમાં એક મહિલા પોતાના ભાડુઆત પાસે ચડત ભાડાની ઉઘરાણી કરવા ગયા પછી તે મહિલા પર ભાડુઆત મહિલાએ કેરોસીન છાંટી તેઓને જીવતા સળગાવી નાખવાનો પ્રયત્ન કરતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા સુરજકરાડીના ગણેશપરામાં વસવાટ કરતા કમીબેન સામતભાઈ વારસાકીયા નામના મહિલાએ પોતાનું મકાન જયશ્રીબેન નામના બાવાજી મહિલાને ભાડેથી આપ્યુ હતું. તે મકાનનું ભાડુ ચડત થતા કમીબેન ભાડુ લેવા માટે જયશ્રીબેન પાસે ગયા હતા ત્યાં ભાડુ આપવાનો જયશ્રીબેને ઈન્કાર કરતા કમીબેન પોતાના ઘેર પરત ફર્યા હતા. ત્યાર પછી કમીબેન પોતાના ઘરમાં વાસણ સાફ કરતા હતાં ત્યારે કેરોસીન ભરેલા ડબલા સાથે ધસી આવેલા જયશ્રીબેને કમીબેન પર કેરોસીન રેડી તેણીને સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. અગનજ્વાળાથી દાઝી ગયેલા કમીબેનને સારવાર માટે સ્થાનિક દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં પોલીસે તેઓનું નિવેદન નોંધ્યુ છે.
અનુસૂચિત જાતિના આ મહિલાને જાનથી મારી નાખવાના ઈરાદે કેરોસીન છાંટી દિવાસળી ચાંપવા અંગે પોલીસે જયશ્રીબેન બાવાજી સામે આઈપીસી ૩૦૭, ૪૫૦, એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.