(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
લોકડાઉનમાં શ્રમિકોને વતન મોકલવા માટે સરકાર દ્વારા સ્પેશ્યલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. ત્યારે તકનો લાભ લઇ અમુક તકસાધુઓ શ્રમજીવીઓ પાસે ટિકીટના પૈસા કરતા વધુ પૈસા વસુલતા હોવાની અનેક ફરીયાદો સામે આવી રહી છે. વરાછા હિરાબાગ પીક અપ પોઇન્ટ પરથી સીટી બસ મારફતે રેલ્વે સ્ટેશન જઇ રહેલા ઓરિસ્સાના શ્રમિકો પાસેથી રૂા.૭૧૦ની જગ્યા પર ૯૦૦થી બે હજાર રૂપિયા વસુલ્યા હોવાનું સામે આવતા નગર સેવક ભાવેશ રબારીએ કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં ઉદ્યોગ ધંધા બંધ થતાં શ્રમિકો વતન જવા હિજરત કરી રહ્યાં છે. ત્યારે ઓડિશાના ગંજામ જતી ટ્રેનમાં મુસાફરો પાસેથી ટીકિટના ૭૧૦ રૂપિયાની જગ્યાએ ૯૦૦થી લઈને ૨૦૦૦ અને ૨૫૦૦ રૂપિયા લેવામાં આવ્યાં હોવાનું શ્રમિકોએ જણાવ્યું છે. કોંગ્રેસના કાઉન્સિલરે કહ્યું કે, લોકોની મજબૂરીનો લાભ લેવાનું લોકો ચૂક્યા નથી. આવા સમયે પણ તેમની પાસેથી ટીકિટના કાળાબજાર કરવામાં આવી રહ્યાં છે. સુરતથી ઓડિશાના ગંજામ જતી ટ્રેનમાં હીરા બાગ પીક અપ પોઈન્ટ પરથી સિટી બસમાં શ્રમિકોને રેલવે સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતાં. આ સમયે કોંગ્રેસના કાઉન્સિલર ભાવેશ રબારીએ શ્રમિકો સાથે વાત કરી હતી. શ્રમિકોએ કહ્યું કે, અમે ૭૧૦ની ટીકિટના ૯૦૦થી લઈને ૨૦૦૦ અને ૨૫૦૦ રૂપિયા ચુકવ્યાં છે. મહામારીના સમયે મજબૂર શ્રમિકોની લાચારીનો ફાયદો ઉઠાવવા નીકળેલા કાળા બજારીયા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની મારી માંગણી કોંગ્રેસના કાઉન્સિલરે કરી હતી.