(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
સુરત શહેરમાં આજે સતત ત્રીજા દિવસે વધુ ત્રણ પોઝિટિવ કેસનો વધારો થતા આંકડો ૨૨ પર પહોંચી ગયો છે. જ્યારે આજે રાંદરેના વૃદ્ધનું પણ મોત નીપજ્યું છે. ત્રણ દિવસથી ત્રણ-ત્રણ કેસ અને એકનું મોત થતા પાલિકા કમિશનરે ગંભીરતા વધી જતા ચેતવણી આપી છે કે, જો આમ જ કેસ વધશે તો આવનાર દિવસોમાં કપરા દિવસો આવી શકે છે. કોરોનાની શંકાસ્પદ ગર્ભવતી મહિલાએ સાડા આઠ માસે આઈસોલેશન વોર્ડમાં બાળકને જન્મ આપ્યો છે. હાલ માતા-સંતાન એમ બન્નેના સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા છે.જ્યારે પાલિકા કમિશનર દ્વારા અડાજણ પાટીયાથી ડભોલી બ્રિજ સુધી ફરજીયાત હોમ ક્વોરન્ટીનમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.એક શંકાસ્પદ દર્દી નાસી જતા પોલીસને જાણ કરાઈ છે.
શહેરમાં આજે કોરોના વાઈરસના પગલે વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.રાંદેરના ૫૨ વર્ષના અહેસાન રસીદ ખાનનું નિધન થયું છે. જેથી કોરોનાના કારણે કુલ આ ત્રીજું મોત શહેરમાં થયું હોવાનું સામે આવ્યું છે. નિવૃતિની જીંદગી જીવતા અહેસાન ખાન રશિદખાન પઠાણ કોરોનાની સાથે હાયપર ટેન્શન, ડાયબિટિસ અને ડિપ્રેશનના બીમાર હતાં.
શહેરમાં આજે કુલ ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આવ્યા છે જેમાં રાંદેર વિસ્તારમાં રહેતી ઝુબૈદા અબ્દુલ સત્તાર પટેલ (ઉ.વ.આ.૬૭)ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. લોખાટ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ૪૦ વર્ષના સાજીદ અબ્દુલ રહેમાન અંસારીમાં પણ પોઝિટિવ કોરોના જોવા મળ્યો છે જે રામપુરામાં રહે છે તેની પણ કોઈ અન્ય શહેર કે રાજ્ય કે દેશની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ત્રીજો કોરોના પોઝિટિવ કેસમાં ઝીન્નત કુરેશી નામની ૪૨ વર્ષની મહિલાનો રિપોર્ટ આવ્યો છે. અડાજણ પાટીયા ખાતે રહેતી ઝીન્નત કુરેશી અબ્દુલ વહાબ નામના પોઝિટિવ પેશન્ટના સંપર્કમાં આવી હતી.
એક દર્દી નાસી ગયો
સુરત શહેરના પાંડેસરા ખાતે રહેતો જગદીશ નામક દર્દીને ગત તા.૩ એપ્રિલના રોજ શંકાસ્પદ લક્ષણો દેખાતા નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. આજરોજ જગદીશ હોસ્પિટલના કોરોના વોર્ડમાંથી બપોરના સુમારે સારવાર દરમિયાન ભાગી જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા શોધકોળ હાથ ધરાઇ રહી હોવાનું જાણવા મળે છે.
વિસ્તારોને ક્વોરન્ટાઈન કરાયા
સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા અડાજણ પાટીયાથી ડભોલી બ્રિજ એટલે કે અડાજણ પાટીયા, કોઝવે રોડ, ગોરાટ, રાંદેર ગામ હનુમાન ટેકરી અને ભાણકી સ્ટેડિયમની આજુબાજુના વિસ્તારને હોમ ક્વોરન્ટીન કર્યો છે. આ વિસ્તારના લોકોને ૧૪ તારીખ સુધી ફરજિયાત હોમ ક્વોરન્ટીનમાં રહેવાનો આદેશ કર્યો છે.