(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧
કોરોના મહામારીને પગલે હાલમાં લોકડાઉનની કપરી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. ત્યારે કામદારોમાં ખાસ કરીને વતન જવા માટે ભારે આક્રોશ છે. આવા સમયે સુરતના સ્થાનિક અધિકારીઓ અને રેલવે સત્તાધિશો વચ્ચેના સંકલનના અભાવે આજે સુરતથી ઓરિસ્સા જવા માટે એક ટ્રેન ઉપડવાની વ્યવસ્થા કરાઇ હતી. જેની જાણ થતાં મોટી સંખ્યામાં કામદારો યેનકેન રીતે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જેમને સ્થળ પરથી પરત ભગાવાયા બાદ આ લખાઇ રહ્યું છે. ત્યારે મોડે સુધી કોઇ અંતિમ નિર્ણય રેલવે તંત્ર કે સ્થાનિક અધિકારીઓ દ્વારા લેવાયો ન હોવાનું જાણવા મળે છે. સ્થાનિક પ્રશાસન દ્વારા કોરોનાની મહામારી વધુ વકરે નહીં અને દેશમાં આ રોગની પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે કામદારોને કળેવળે અહીં રોકી રખાયા છે. પરંતુ નાણાં ખૂટવાથી તથા વધુ સમય અહીં રહેવાથી ભાડા ભરવા સહિતની આફતો સામે આવવાના ડરથી કામદારો કોઇપણ ભોગે હવે સુરત છોડી જવા માટે અધીરા બન્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા કામદારો સાથે થઇ રહેલા વર્તનને લઇને હેબતાઇ ગયેલા કામદારો હવે કોઇપણ ભોગે પરત સુરત ના આવવાનું જણાવી રહ્યા હોવાનું જાણવા મળે છે.
આવા સમયે સુરતથી એક સ્પેશિયલ ટ્રેન ઓરિસ્સા મોકલવા માટે રેલવે તંત્ર અને સ્થાનિક અધિકારીઓ દ્વારા તૈયારી દાખવવામાં આવી હતી. માટે બસમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઓરિસ્સા વાસીઓને લાવી સોશિયલ ડિસ્ટન્ટસ સાથે તેમને ટ્રેનમાં બેસાડી ઓરિસ્સા મોકલવાની તૈયારી કરાઇ હતી. જેની જાણ થતાં સવારે મોટી સંખ્યામાં ઓરિસ્સા વાસી કામદારો યેનકેન રીતે સુરત રેલવે સ્ટેશન ભેગા થયા હોવાની વિગતો સાંપડે છે જેમણે તંત્ર દ્વારા યેનકેન રીતે પરત મોકલાયા હતા. ત્યાર બાદ સાંજે ફરી કલેક્ટર અને રેલવેના અધિકારીઓ વચ્ચે ઓરિસ્સા વાસીઓ માટેની સ્પેશિયલ ટ્રેન મુદ્દે બેઠકનો દૌર ચાલ્યો હતો. જો કે, મોડીરાત્રે સુરતથી એક ટ્રેન ઓરિસ્સા રવાના કરવા માટેની તૈયારીઓને સુરત રેલવે સ્ટેશને આખરી ઔપ આપવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન બાબતનો મુદ્દો એટલો ગોપનીય રાખવામાં આવ્યો હતો કે, જેથી કરીને સુરત રેલવે સ્ટેશન ઉપર પરપ્રાંતિય કામદારોનો ઘસારો થાય નહીં, આમ છતાં સવારના સુમારે મોટી સંખ્યામાં કામદારો રેલવે સ્ટેશન ઉપર એકત્રિત થઇ ગયા હતા. જેમણે આ બાબતની જાણ ક્યાંથી થઇ તે મુદ્દો તપાસનો વિષય બની રહે છે. પરંતુ પોલીસની મદદથી આ તમામ કામદારોને સ્થળ ઉપરથી પરત મોકલવામાં આવ્યા હતા.