(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
સુરત કડોદરા રોડ સારોલીમાં આવેલ શ્યામ સંગીની માર્કેટમાંથી મુંબઈના નવા શિવા ખાતે ડિલેવરી કરવા માટે મોકલવામાં આવેલો રૂપિયા ૯૧.૦૬ લાખના કાપડના પાર્સલ નંગ-૧૨૧ ટેમ્પો ચાલકે ડિલેવરી નહી કરી ટેમ્પો સાથે બારોબાર સગેવગે કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.
પુણા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ અડાજણ પાલનપુર જકાતનાકા તપોવન કો.ઓ. સોસાયટી સિદ્ધિ વિનાયક પાર્કમાં રહેતા અશોકકુમાર દશરથલાલ પંચાલે પુણા સોરાલીમાં શ્યામ સંગીની માર્કેટમાંથી રામાઆઈએનસી કંપનીની દુકાનમાંથી રૂપિયા ૯૧,૦૬,૭૩૦ના મતાના કાપડના પાર્સલ નંગ-૧૨૧ જે.એન.પી.ટી નવા શિવા મુંબઈ ખાતે ડિલીવરી કરવા માટે ટેમ્પોમાં માલ મોકલ્યો હતો. જો કે ટેમ્પો ચાલક મોહમદ તલ્હા મોહમદ ગુલ્ફામ (રહે, યુપી પ્રતાપગઢ)એ માલની મુંબઈ ડિલીવરી નહી કરી ટેમ્પો સાથે માલ સગેવગે કરી નાંખ્યોો હતો. બીજા દિવસે માલ મુંબઈ ખાતે નહીં પહોંચતા અશોકકુમારે ટેમ્પો ચાલક મોહમદ તલ્હાને ફોન કરતા મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો હતો. જેથી અશોકકુમારે તેના ટેમ્પો માલીકને વાત કર્યા બાદ શોધખોળ કરવા છતાંયે મોહમદ તલ્હાનો કોઈ પત્તો મળ્યો ન હતો. અને ૯૧.૦૬ લાખનો કાપડનો માલ અને ૮ લાખનો ટેમ્પો ંમળી કુલ રૂપિયા ૯૯ લાખની ઠગાઈ કરી રફુચક્કર થઈ ગયો હતો. બનાવ અંગે અશોકકુમારની ફરિયાદને આધારે પોલીસે મોહમદ તલ્હા ગુલ્ફામ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.