અમદાવાદ, તા.૮
રાજ્યમાં કોરોનાને હાહાકાર મચાવ્યો છે. દિન-પ્રતિદિન વધતા જતાં કોરોનાના કેસને જોતાં પરપ્રાંતિયોની જેમ રાજ્યમાં જ આંતર જિલ્લામાં વતન જવા લોકોએ માંગ કરી હતી. જે મુજબ ખાસ કરીને સુરતથી રત્ન કલાકારો સહિતના શ્રમિકોને વતન પહોંચાડવા માટે સરકારની સુચના મુજબ એસ.ટી. નિગમ દ્વારા ખાસ એસ.ટી. બસો દોડાવવાનો ગત ૬ મેના રોજ નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયના અનુસંધાને છેલ્લા બે દિવસથી સુરતમાં એસ.ટી. બસોનું ધુમ બુકીંગ થવા લાગ્યું છે અને સુરતથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં એસ.ટી. બસો દોડાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. આ અંગે સુરત એસ.ટી. વિભાગના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સુરતથી અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, જામનગર, રાજકોટ, ગીર-સોમનાથ, પાલનપુર, અમદાવાદ, હિંમતનગર, ગોધરા, છોટાઉદેપુર, દાહોદ અને ભૂજ આવવા માટે છેલ્લા બે દિવસમાં જ ૧૮૦૩ જેટલી એસ.ટી. બસોના બુકિંગ થયા છે અને ૭મેથી એસ.ટી. બસો દોડાવાની શરૂઆત પણ થઈ ગઈ છે. શ્રમિકો અને રત્નકલાકારોએ મોટી સંખ્યામાં વતનની વાટ પકડી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે બસમાં રત્નકલાકારો સહિતના લોકોને બેસાડવાના છે તેમાં ૩૦ મુસાફરો બેસાડવાના છે. દરેક બસમાં ૩૦ વ્યક્તિઓનું ગ્રુપ બુકિંગ થનાર છે. જે બસોનું બુકિંગ થયું છે એમાં અમરેલી અને ભાવનગર જિલ્લાની વધુ બુકિંગ છે. અમરેલી જિલ્લા માટે ૮૯૮ અને ભાવનગર જિલ્લા માટે પ૩૭ એસ.ટી. બસોની બુકિંગ થઈ છે. ગઈકાલે એક જ દિવસમાં સુરતથી સૌરાષ્ટ્ર-ગુજરાત માટે ૧૪૪ બસો રવાના કરાઈ હતી જેમાં અમરેલી માટે ૭૮, ભાવનગર માટે ૪પ, જૂનાગઢ માટે પ, પાટણ માટે ૪, મહેસાણા માટે પ, બોટાદ માટે ૩ અને મહિસાગર માટે ર બસો રવાના કરાઈ હતી. ૮મી મેના રોજ ૩૦૦ બસોનું પ્લાનિંગ કરાયું છે. ત્યારે ક્રમશઃ બસો ઉપડશે જે અનેક લોકોને વતન તરફ લઈ જશે. જો કે, આ બધાની વચ્ચે અનેક જગ્યાએ પરપ્રાંતિયો હોબાળો મચાવી રહ્યા છે.