(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૨
દેશની લોકસભામાં કોંગ્રેસ પક્ષ દ્વારા લોકતંત્રની હત્યા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે ભાજપ દ્વારા આજે સમગ્ર દેશમાં ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું. જેના ભાગરૂપે સુરતના સાંસદ દર્શના જરદોશ દ્વારા મક્કાઈપુલના વિવેકાનંદ સર્કલ પાસે ઉપવાસ આંદોલન કરાયું હતું. જ્યારે નવસારીમાં સાંસદ સી.આર.પાટીલ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યા હતા.
દેશની બંધારણીય સભાના બજેટ સત્ર દરમ્યાન કાેંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષો દ્વારા લોકસભાની કાર્યવાહી ચાલવા દીધી ન હતી. લોકસભામાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરતા હતા. ત્યારે કોંગ્રેસના સભ્યો દ્વારા સૂત્રોચ્ચાર કરી લોકસભા ખોરવવાનો પ્રયાસ કરી લોકશાહીની હત્યા કરી હતી. લોકસભાના નીતિ નિયમ મુજબ જ્યારે વડાપ્રધાન સંબોધન કરતા હોય ત્યારે તેમને સભ્યો દ્વારા સાંભળવાનું હોય છે. પ્રધાનમંત્રીના પદની ગરીમા ન જાળવી કોંગ્રેસે નીરવ મોદીની એક સરખી અટકને લોકસભામાં ઉછાળીને પ્રધાનમંત્રી સામે ખોટા આક્ષેપ કર્યા હતા. લોકસભાનો કિંમતી સમય કોંગ્રેસ દ્વારા વેડફી નાંખવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા બજેટ સત્ર ખોરવીને લોકશાહીની હત્યા કરતા પ્રધાનમંત્રી દ્વારા કોંગ્રેસને સદ્‌ભાવના થાય તે માટે એક દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીની અપીલના પગલે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપવાસમાં જાડાયા છે. સુરતના સાંસદ દર્શના જરદોશ દ્વારા વિવેકાનંદ સર્કલ મક્કાઈપુલ ખાતે અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ દ્વારા નવસારી ખાતે ઉપવાસ શરૂ કરવામાં આવ્યો.