(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
સપ્તાહ પૂર્વે અમરોલી વિસ્તારમાંથી હત્યા કરેલી લાશ મળી આવવાના પ્રકરણમાં પોલીસે હત્યારાની ધરપકડ કરી લીધી છે. લોકડાઉનમાં ઉછીના લીધેલા રૂપિયા પરત આપવાને બદલે નાગાઈ પર ઉતરી આવેલા મિત્રએ તમામ સીમા પાર કરી દેતાં તેની હત્યા કરવામાં આવી હતી. બનાવ અંગે અમરોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અંજની ઈન્ડસ્ટ્રીઝમાંથી ગત તા ૧૨મીના રોજ મળસ્કે આસરે ૩૫થી ૪૦ વર્ષના અજાણ્યાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા અમરોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી જેમાં મૃતકની ઓળખ કલ્પનાથ યાદવ (ઉ.વ.૪૦,રહે, અંજની ઈન્ડસ્ટ્રીઝ, મૂળ બલીયા યુપી) થઈ હતી અને સીસીફુટેજના આધારે કલ્પનાથની હત્યામાં સંડોવાયેલા કુન્નુકુમાર મહેશકુમાર પરીડા (ઉ.વ.૨૮.અંજની ઈન્ડસ્ટ્રીઝ)ની ધરપકડ કરી હતી. પોલીસે કુન્નુકુમારની પ્રાથમિક પૂછપરછમાં મૃતક કલ્પનાથ યાદવે લોકડાઉનમાં તેની પાસે ઉછીના ઍક હજાર લીધા હતા જે પૈસાની અવાર નવાર માંગણી કરતા છંતાયે કલ્પનાથ આપતો ન હતો અને બનાવના દિવસે પણ પૈસાની માંગણી કરતા કલ્પનાથે જે થાય તે કરી લેવાની ધમકી આપતા બંને વચ્ચે બોલાચાલી થઈ ઝઘડો થયો હતો જેમાં કુન્નુકુમારે ઉશ્કેરાઈને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.