(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૭
છેલ્લા ધણાં વર્ષોથી એક બૂમ સાંભળવા મળી રહી છે કે ઈન્ડોર સ્ટેડિયમ સુરત મહાનગરપાલિકા માટે ધોળો હાથી પૂરવાર થયું છે. જો કે વાસ્તવિકતા તેનાથી કંઈ ઓર જ જાણવા મળી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ રિનોવેશન કરાયું ત્યારે ઈન્ડોર સ્ટેડિયમે રૂા.૬ કરોડનો નફો કર્યો હતો. એટલું જ નહીં મનપાએ હવે ઈન્ડોર સ્ટેડિયમનો અભિગમ પણ બદલ્યો છે. તેને પ્રોફેશનલ ટચ આપવામાં આવ્યો છે. જેમાં મહત્તમ ભાડામાં વધારો કરવામા આવ્યો છે. જ્યારે પીક એન ઓફ સિઝન તેમજ દિવસો નક્કી કરીને તે સમયના ભાડામાં ઘટાડો કરવામાં પણ આવ્યો છે.
સુરત મહાનગપાલિકા દ્વારા ઇન્ડોર ગેઈમ્સને પ્રોત્સાહન આપવા તેમજ સુરત શહેરને એક વિશેષ નજરાણું આપવા માટે ૧૯૯૮ના વર્ષમાં ઈન્ડોર સ્ટેડિયમ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે સમયાંતરે એવી બૂમો ઉઠી કે આ સ્ટેડિયમ પાલિકા માટે ધોળા હાથી જેવું પૂરવાર થયું છે. ગેઈમ્સ કે અન્ય હેતું માટે ઓક્યુપન્સી મળતી નથી અને ખોટમાં ચાલી રહ્યું છે. એટલું જ નહીં. ઈન્ડોર સ્ટેડિયમની એક છાપ એવી પણ પડી ગઈ હતી કે અહીં માત્ર નવરાત્રીના ગરબા જ થાય છે. જો કે આ પ્રકારની વાતમાં જાજ તથ્ય નથી. ઈન્ડોર સ્ટેડિયમના મેનેજર જાનીએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે થોડો સમય પૂર્વે જ ઈન્ડોર સ્ટેડિયમનું રૂા.૨૦ કરોડના ખર્ચે રિનોવેશ કરવામાં આવ્યું હતું. તે સમયે ઈન્ડોર સ્ટેડિયમ રૂા.૬ કરોડ સરપ્લસ હતું. એટલ કે ત્યાં સુધીના તમામ ખર્ચા કાઢતાં ઈન્ડોર સ્ટેડિયમે રૂા. ૬ કરોડનો નફો કર્યો હતો. અલબત્ત રિનોવેશન બાદ હવે રૂા.૧૪ કરોડની માઈનસ બેલેન્સ જાય છે. પરંતુ આગામી દિવસોમાં તેની રિકવરી જઈ જશે. જેમા ગત વર્ષે જે સમગ્ર દિવસનું ભાડુ રૂા.૩.૫૦ લાખ હતું. જે વધારીને રૂા.૩.૬૦ લાખ કરવામાં આવ્યું છે. ઉપરાંત જુન મહિનાથી જાન્યુ.સુધીની સિઝનને પીક સિઝન તરીકે ગણવામાં આવી છે. જેમાં મહત્તમ ભાડામાં કોઈ રાહત આપવામાં નહીં આવે. જ્યારે ફેબ્રુઆરી મે મહિનાને ઓફ સિઝન ગણવામાં આવી છે. જે દરમ્યાન મહત્તમ ભાડામાં દરેક ઈવેન્ટમાં ર૫ ટકા રાહત આપવામાં આવશે. આ સાથે જ દરેક સિઝનમાં સોમવારથી ગુરૂવારના દિવસોને ઓફ દિવસો ગણવામાં આવ્યા છે, તેમાં પણ દરેક ઈવેન્ટમાં ર૫ ટકાની રાહત આપવાનું નક્કી કરાયું છે. આ સાથે જ સ્પોર્ટસની ઈવેન્ટમાં પહેલા ૭૫ ટકાની ભાડા રાહત હતી જે વધારીને સીધી ૯૦ ટકા કરી દેવામાં આવી છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૦ જેટલા કોમર્શિયલ કાર્યક્રમો થયા હતા. જ્યારે ૨૦૧૭-૧૮માં અત્યાર સુધી ૩૦ કોમર્શિયલ કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. ૨૦૧૬-૧૭માં ૨૦૩ દિવસની ઓક્યુપન્સી હતી. જે પૈકી ૧૨૨ સ્પોટ્‌ર્સ ઈવેન્ટ્‌સ હતી. જ્યારે ૨૦૧૭-૧૮માં અત્યાર સુધી ૨૪૩ દિવસની ઓક્યુપન્સી હતી. જે પૈકી ૧૪૮ ઈવેન્ટ્‌સ સ્પોટ્‌ર્સની રહી છે. આમ ઈન્ડોર સ્ટેડિયમની ઓક્યુપન્સીમાં વધારો થઈ રહ્યો છે અને પ્રોફેશનલ અભિગમને કારણે આવકમાં પણ નોંધપાત્ર વધારો થાય તેવો અંદાજ છે.