(સંવાદદાતા દ્વારા)

સુરત, તા.૧૯

ઉમરવાડા વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનમાં કોઈપણ મુસ્લિમ વ્યક્તિને દફનાવવાની મંજૂરી આપતા વકફ બોર્ડના આદેશને પગલે ઉમરવાડા ટેનામેન્ટ વિસ્તારમાં રહેતા હજારો મુસ્લિમોની વર્ષો જૂની માંગ સંતોષાઈ છે. ધી સુરત કડિયાવાડ મોમના કબ્રસ્તાન ટ્રસ્ટની દેખરેખ હેઠળ આવેલા કબ્રસ્તાનમાં ઉમરવાડા વિસ્તારના સુન્ની મુસલમાનોને દફનાવવા પર પ્રતિબંધ હતો જેને પગલે આ વિસ્તારમાં રહેતા હજારો લોકોને દફનવિધિમાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ઉમરવાડા વિસ્તારમાં ટેનામેન્ટ ઉપરાંત ઈડબલ્યૂએસ, નહેરૂનગર, લો-કાસ્ટ કોલોની, જવાહરનગર, સલીમનગર, ગાંધીનગર, જૂના ડેપો વિસ્તારમાં અંદાજિત ૬ હજાર કરતાં વધુ મુસ્લિમ શ્રમિક પરિવારો વસવાટ કરે છે. આ વિસ્તારમાં રહેતા કોઈપણ શખ્સનું ઈન્તેકાલ થાય તો તેમને છેક આંજણાસ્થિત રઝાનગર-ભાઠેના નજીક આવેલા ગૌષિયા કબ્રસ્તાનમાં દફનાવવાની ફરજ પડતી હતી. ઉપરોક્ત ટ્રસ્ટની જગ્યા વર્ષોથી બિનવપરાશ પડી હોવાથી સ્થાનિકોએ ટ્રસ્ટના અધ્યક્ષ અઝિમ શેખને રજૂઆત કરી હતી પરંતુ તેમની રજૂઆતને નામંજૂર કરી દેવામાં આવતા આખરે વકફમાં ફરિયાદ કરવામાં આવી હતી જેને આધારે વકફ બોર્ડે ટ્રસ્ટને અત્યંત કડક શબ્દોમાં ઠપકો આપીને સ્થાનિક મુસ્લિમોને દફનાવવા દેવા હુકમ કર્યો હતો. વકફના નિર્ણયથી સુરતની તમામ વકફ મિલકતો પર વર્ષોથી ચાલી આવતી કુપ્રથાનો અંત આવશે, એમ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું છે.