(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૧
શહેરના વરાછામાં છેલ્લા બે દિવસથી ચૂંટણી પ્રચારને લઇને ભાજપ અને પાસના કાર્યકર્તાઓ વચ્ચે વણસેલી પરિસ્થિતિમાં પોલીસ તંત્ર સંયમ જાળવી રહી છે. બોમ્બે માર્કેટ પાસે પાસ અને ભાજપના કાર્યકરો વચ્ચે થયેલી ઘટનામાં વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાની ઘટનામાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ઘરે ઘરે જઇ ચૂંટણી પ્રચારની પ્રક્રિયા આરંભી દેવાઈ છે ત્યારે શહેરના વરાછા અને કાપોદ્રા જેવા પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તારોમાં ભાજપ અને પાસના કાર્યકરો વારંવાર આમને-સામને આવી જતાં પરિસ્થિતિ વણસી રહી છે. ભાજપે પોલીસને સાથે રાખી પ્રચાર કરે તો પણ ઘર્ષણ થવાની શક્યતા છે. છેલ્લા ત્રણ દિવસથી વરાછા વિસ્તારમાં પાસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. જેમાં ગઇકાલે સાંજે કરંજ વિસ્તારના સ્વામી નારાયણનગરમાં પાસ અને ભાજપના આગેવાનો કાર્યકરો વચ્ચે ભારે સૂત્રોચ્ચાર થયા હતા. ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચતા પોલીસ વચ્ચે આવી હતી. પોલીસે પાસના બે કાર્યકરોની અટકાયત કરી હતી. જેના કારણે પાસના ૩૦૦થી ૪૦૦ કાર્યકરો વરાછા પોલીસ સ્ટેશન પર એકત્ર થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરી અટકાયતમાં લીધેલા બન્ને યુવાનોને છોડી મૂકવાની વાત કરી હતી. ભારે રકઝકના અંતે પોલીસે બન્ને યુવાનોને છોડવા તૈયાર થઈ ગઈ હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિ-સુરતના કન્વીનર ધાર્મિક માલવિયાએ કહ્યું હતું કે, પોલીસ પાસના આગેવાનો અને કાર્યકરોને ખોટી રીતે હેરાન કરે છે. આ કિસ્સામાં પાસના બે યુવાનોની અટકાયત કરી હતી. જેમાં એક એડવોકેટ તરીકે અલ્પેશ કથીરિયા જાણકારી મેળવવા અને બન્ને મુક્ત કરાવવાની કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસ મથક પર પહોંચ્યા તો પોલીસ ઇન્સ્પેક્ટરે તેમને પણ ધસડીને માર માર્યો હતો. આમ, છેલ્લા બે દિવસથી વરાછા વિસ્તારમાં અજંપા ભરી સ્થિતિ છે. આ વખતે પોલીસ પાટીદાર સમાજ સામે તુરંત ફરિયાદ દાખલ કરવામાં સંયમનો પરિચય આપ્યો હતો.

અમને દેશદ્રોહીના લેબલ લગાવ્યા છે તો શા માટે મતની ભીખ માંગવા આવો છો ? ધાર્મિક માલવિયા
(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
શહેરના વરાછા તથા કાપોદ્રા વિસ્તારોમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી ડોર ટુ ડોર પ્રચાર કરી રહેલા ભાજપી નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વિરોધમાં ફરી નવતર સ્વરૂપે પાટીદારોની સોસાયટી બહાર પાસ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે કે, પાટીદાર કોર્ટની કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. જેથી ભાજપના નેતાઓએ આ સોસાયટીમાં પ્રચાર અર્થે આવવું નહીં. પાટીદારોની સોસાયટી આગળ બેનર લગાવવાના મુદ્દે પાસના કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે અમને દેશદ્રોહીના લેબલ લગાવી દીધા છે ત્યાં હવે શા માટે મતની ભીખ માંગવા તેમણે આવવું જોઈએ. ભાજપ જ નહીં પરંતુ તેમણે ઊભા રાખેલા અપક્ષ નેતાઓએ પણ ન આવવાની સૂચના બેનરમાં લખી છે સાથે જ અમે આગામી દિવસોમાં ભાજપના કાગળ જે ઘરે અપાયા હશે તેને એકઠા કરીને ગંગાજળ અને ગૌ મૂત્રના છંટકાવનું આયોજન કરી રહ્યા છીએ.

કામરેજના ભાજપના ધારાસભ્યની કાર પાછળ પાસના કાર્યકરોનું ટોળું દોડ્યું
કૃણાલ નામના કોલેજીયન યુવાનને આજે સવારે ભાજપના કાર્યકરોએ મારપીટ કરી હતી અને આ ઘટનાના પગલે પાસના કાર્યકરો તેને લઇને વરાછા પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા તેમજ આ કાર્યકરોએ ભાજપના હુમલાખોરો સામે ગુનો દાખલ કરવાની માગણી કરી હતી. આ સમયે જ કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયા પોતાની ઇનોવા કાર લઇને વરાછા પોલીસ સ્ટેશન આગળથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાસના કાર્યકરોનું ટોળું તેમની ઇનોવા કાર પાછળ દોડ્યું હતું. પાસના કાર્યકરોએ પ્રફુલ પાનશેરિયાની ઇનોવા કાર રોકવા માટે કહીને તેમની ગાડીના કાચ પર ધુમ્બા માર્યા હતા. જો કે, લોકોનો રોષ અને ટોળું જોઇને પ્રફુલ પાનશેરિયાના ડ્રાઈવરે ગાડી ભગાવી મૂકી હતી. આ સમગ્ર ઘટના વરાછા પોલીસ સ્ટેશનની સામે જ બની હતી તેમ છતાં પોલીસ સ્ટેશન પર હાજર પોલીસ કર્મચારીઓએ કોઇ કાર્યવાહી કરી ન હતી અને સામાન્ય વ્યક્તિની કાર પાછળ લોકો દોડ્યા હોય એમ તમાશો જોયા કર્યો હતો. આ ઘટનાને પગલે વરાછા પોલીસ સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.