સુરત, તા.૬
આડાસંબધના વહેમમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી બપોરે યુવકે સાગરીત સાથે કોઝવે રોડ ખાતે આવેલ દુકાનમાં પરિણીતાના પતિને ચપ્પુના ઘા મારી લોહીલુહાણ કરી નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ચોકબજાર પોલીસના જણાવ્યા મુજબ વેડ રોડ રહેતા વિનોદ બળદેવ બાબરીયા બપોરે કોઝવે રોડ ખાતે આવેલ એડીએસ સોફા હાઉસ નામની દુકાનમાં બેઠા હતા તે વખતે અનિલ બોરિયાએ તેના સાગરીત સાથે આવી અગાઉના ઝઘડાની અદાવત રાખી મોઢા, ગાલ અને કાનના ભાગે ચપ્પુના ઘા મારી લોહીલુહાણ કરી નાસી ગયો હતો. વિનોદભાઈને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ વિનોદને એવો વહેમ હતો કે, તેની પત્ની અને અનિલ વચ્ચે આડાસંંબંધ છે. જેની અદાવત રાખી અનિલે સાગરીત સાથે મળી વિનોદ પર હુમલો કર્યો હતો. બનાવ અંગે વિનોદની પત્નીની ફરિયાદ લઈ અનિલ સહિત બે સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.