(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૭
મજુરા મિત્ર મંડળ દ્વારા અલથાણ કોમ્યુનિટી હોલમાં આઇસોલેશન વોર્ડમાં આધુનિક હોસ્પિટલ જેવી વ્યવસ્થાઓ કરાઈ છે. ૧૮૨ પુઠ્ઠાના બેડ સાથેનું કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન સાથે ટીવી, બાફનું મશીન, બેલ, દરેક બેડ સાથે ફેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કોવિડ સેન્ટરની મુલાકાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પણ લીધી હતી અને કોવિડ કેર સેન્ટરની સુવિધાને લઈને બિરદાવ્યા હતા.
ગુજરાતમાં અમદાવાદ બાદ સુરત શહેર કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું છે. છેલ્લા થોડા દિવસોથી દરરોજ સરેરાશ ૨૫૦થી વધુ નવા કોરોનાના દર્દીઓ નોંધાઇ રહ્યા છે. પોઝિટિવ દર્દીઓનો ગ્રાફ જે રીતે વધી રહ્યો છે. તે જોતા શહેરના અલગ-અલગ વિસ્તારમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરાયા છે. સુરતમાં પહેલી વખત પુઠ્ઠાના બેડ સાથે તમામ સુવિધાઓથી સજ્જ સેન્ટર બનાવાયું છે. અલથાણ કોમ્યુનિટીમાં બનાવાયેલું આ કોવિડ કેર સેન્ટર સુરત મહાનગર પાલિકાને સુપરત કરાશે. કોરોનાના પોઝિટિવ દર્દીને ૧૦થી ૧૪ દિવસ માટે આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે. એક તરફ પોતાને થયેલી બીમારી અને બીજી તરફ પરિવારની ચિંતા કોરોનાના દર્દીને કોરી ખાઇ છે, ત્યારે દર્દીની માનસિક સ્થિતિને ધ્યાને રાખી મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ મનોરંજનની સુવિધાથી લઈને ગરમ પાણી, બાફ અને પરિવાર સાથે વાત કરવા વોકી ટોકીની સુવિધા કોવિડ કેરમાં ઊભી કરી છે. આ કોવિડ કેર સેન્ટર અંદાજે ૮૦ લાખના ખર્ચે તૈયાર થયું છે.