(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૫
શહેરના સચીનના ગભેણી ગામમાં તરછોડાયેલી હાલતમાં નવજાત બાળકનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી.
શહેરના ગભેણીગામમાં રામેશ્વર કોલોની પાસે રવિવારે સવારે નવજાત બાળકનો મૃતદેહ તરછોડાયેલી હાલતમાં મળ્યો હતો. ત્યાંથી પસાર થતાં રાહદારીનું ધ્યાન જતાં તેને પોલીસને જાણ કરી હતી. સચીન જીઆઈડીસી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પોસ્ટમોર્ટમ દરમિયાન જાણવા મળ્યું છે કે બાળકનું મોત માથામાં ઇજા થવાથી થયું છે. આ સાથે બાળકને ડાબા પગમાં હાડકા પર ઇજા થઈ હોવાનું અને શરીરના ભાગે બે-ત્રણ ચકામાં જોવા મળ્યા છે. પ્રાથમિક તારણ પ્રમાણે બાળકને માર મારી હત્યા કરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યાં છે. સરથાણા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.