(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૫
સુરતના એક જાણીતા બિલ્ડરને દુબઈથી અંડરવર્લ્ડ ડોન રવિ પુજારી દ્વારા ખંડણી માટે ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.જે મુદ્દે શહેર પોલીસને જાણ થતાં પોલીસે બનાવની તપાસ હાથ ધર્યાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના એક જાણીતા બિલ્ડરને દુબઈથી અંધારી આલમના ડોન દ્વારા મોબાઈલ ફોન ઉપર ધમકી આપવામાં આવી છે. મોબાઈલ પર ધમકી આપનાર ડોન રવિ પુજારી દ્વારા ખંડણીની માંગણી કરવામાં આવી છે. ખંડણી ન ચુકવાય તો જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે.જેના કારણે બિલ્ડરના પગ તળેથી જમીન ખસી ગઈ છે.છેલ્લા ઘણાં સમયથી વિવાદમાં આવેલ બિલ્ડરે ખંડણીના ધમકીભર્યા ફોન અંગે પોલીસની શરણાગતી સ્વીકારી છે. અંધારી આલમ દ્વારા ખંડણીમાંગતો ધમકી ભર્યો ફોન આવ્યો હોવાની જાણ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીને કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારી દ્વારા બિલ્ડરની રજૂઆત સાંભળીને ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરાય છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બિલ્ડરનું નિવેદન લઈને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.શહેર પોલીસે ફરિયાદીનું નામ અને ઓળખ ગુપ્ત રાખવાનો પ્રયાસ કર્યો છે. તેમજ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા પણ આવી કોઈ ફરિયાદ મળી ન હોવાનું જણાવ્યું છે. પરંતુ અંધારી આલમ દ્વારા શહેરના બિલ્ડરને ધમકીભર્યા ફોન આવ્યા હોવાની બાબતને પોલીસે ગંભીરતાથી લઇ ખાનગી રાહે તપાસ હાથ ધરી છે. જો આ ખંડણીની ધમકીને ગંભીરતાથી નહીં લેવાય તો આગામી દિવસોમાં શહેરના વધુ બિલ્ડરો અંધારી આલમના નિશાન પર આવે તેવી શક્યતા છે.શહેર પોલીસે હજી આ બનાવની સત્તાવાર જાહેરાત કરી નથી.
સુરતના જાણીતા બિલ્ડરને દુબઈથી અંડરવર્લ્ડ ડોન રવિ પુજારી દ્વારા ખંડણીની માગણી

Recent Comments