(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
સુરતની લક્ષ્મી ડાયમંડ કંપનીના માલિક અને બિલ્ડર વસંત ગજેરાની ઉમરા પોલીસે જમીન પચાવી પાડવાના કૌભાંડના મામલે ધરપકડ કરાયા બાદ આજે તેમણે કોર્ટમાં રજૂ કરી, તેઓના ૧૦ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જેથી કોર્ટે બન્ને પક્ષનાઓની દલીલો સાંભળી આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વેસુની ૧૮૫૦૦ ચોરસ મીટર જમીન માટે ખેડૂત વજુભાઈ માલાણીનો ડાયમંડ કિંગ વસંત ગજેરા સાથે વિવાદ ચાલી રહ્યો હતો. હાઈકોર્ટમાં બિલ્ડર વસંત ગજેરાએ જમીન પર પોતાનો કબજો બતાવવા માટે ફેન્સિંગ અને કંપાઉન્ડ વોલ બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. તેના બોગસ મટીરિયલ્સની ખરીદી અને મજુરી ચુકવ્યાના વાઉંચરો બનાવી હિસાબી બેલેન્સ શીટ બનાવી વકીલ મારફતે કોર્ટમાં રજૂ કર્યા હતા. આ વાઉચરો વરાછા રોડની સાધના સ્કૂલની સામેની શિવશક્તિ કૃપા સ્ટોર્સના છે. હાઈકોર્ટે રજૂ કરેલા ડોક્યુમેન્ટોની તપાસ કરાવી હતી.જે તપાસમાં બહાર આવ્યું હતું કે મટીરિયલ ખરીદીના બિલોમાં જે ટેલિફોન નંબર હતો તે ખોટો હતો. તે ટેલીફોન નંબર ૨૦૧૭માં ઈસ્યુ થયો હતો.ફરિયાદી વજુભાઈ માલાણીની પીટીશનના આધારે ગુજરાત હાઈકોર્ટે ગુનો દાખલ કરવાનો હુકમ કર્યા બાદ ઉમરા પોલીસે એફઆઈઆર દાખલ કરી ગત રોજ બિલ્ડર વસંત ગજેરાની ધરપકડ કરી આજે તેમણે નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા.જ્યાં પોલીસે આરોપીના ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.પરંતુ નામદાર કોર્ટે બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળી આરોપી વસંત ગજેરાના ૬ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.